તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટ થયો હતો. જે બાદ ગુજરાત પોલીસ સક્રિય બની છે. આ ઘટનાને પગલે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નવસારી પોલીસે છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 353 આરોપીઓનું 100 કલાકમાં સઘન વેરિફિકેશન હાથ ધર્યું છે. ગત 10/11/2025 ના રોજ નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બોમ્બ વિસ્ફોટ દ્વારા આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ થયો હતો. આ ગંભીર ઘટના બાદ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા રાજ્યમાં વ્યવસ્થા જાળવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ સૂચના મુજબ, રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ અને સંપૂર્ણ ડેટા વેરિફિકેશન 100 કલાકમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, બનાવટી ચલણી નોટ અને એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ ફરીથી આવી પ્રવૃત્તિઓમાં ન જોડાય તે મુખ્ય હેતુ છે. આ કામગીરી માટે નવસારી પોલીસે વિશેષ ટીમો બનાવી હતી. એસ.ઓ.જી., એલ.સી.બી. અને જિલ્લાના પોલીસ સ્ટેશનોની કુલ 25 ટીમો દ્વારા 353 આરોપીઓનું સઘન ચેકિંગ અને વેરિફિકેશન કરવામાં આવ્યું. શંકાસ્પદ હિલચાલ જણાતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરાયું છે. વેરિફિકેશન હેઠળના કુલ 353 આરોપીઓમાં 188 નવસારી જિલ્લામાં રહેતા હતા, જ્યારે 102 આરોપીઓ નવસારી જિલ્લા બહારના અને 63 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના હતા. પોલીસે આ તમામ આરોપીઓની હિલચાલ પર નજર રાખીને 100 કલાકની સમય મર્યાદામાં વેરિફિકેશનનું કાર્ય પૂર્ણ કર્યું છે.
નવસારીમાં 353 આરોપીઓનું 100 કલાકમાં સઘન ચેકિંગ:દિલ્લીમાં કારમાં વિસ્ફોટની ઘટના બાદ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર પોલીસની બાજ નજર
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
