નવસારી જિલ્લામાં શ્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો:બે માસમાં 400થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાયા, રખડતા શ્વાનોને કાબૂમાં લેવા કાર્યવાહી શરૂ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

નવસારી જિલ્લામાં શ્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનામાં, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન, સિવિલ હોસ્પિટલમાં 428 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા છે. ડોક્ટર સિંહ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબરમાં 258 કેસ નોંધાયા હતા, જ્યારે નવેમ્બરમાં અત્યાર સુધીમાં 170 કેસ સામે આવ્યા છે. આ આંકડા રખડતા શ્વાનોની વધતી સંખ્યા અને તેનાથી થતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો શહેરીજનોને રખડતા શ્વાનોથી દૂર રહેવાની સલાહ આપે છે. ડોક્ટરોએ એ પણ સ્વીકાર્યું છે કે, રખડતા કૂતરાઓને ભોજન આપવું બિનજરૂરી છે અને રહેણાંક વિસ્તારોથી દૂર તેમને ભોજન આપવું જોઈએ. શ્વાન આક્રમક બને ત્યારે તેના કાન ઊંચા થઈ જાય છે, પૂંછડી સીધી થઈ જાય છે અને પગ પાછળ લઈ જાય છે. આવા સમયે શ્વાનથી દૂર રહેવું સલામત છે. નાના બાળકોને શ્વાનોથી દૂર રાખવા જોઈએ, કારણ કે બાળકો તેમની સાથે રમતી વખતે ઘણીવાર શ્વાન આક્રમક બની કરડી શકે છે. જો શ્વાન કરડે, તો ઘાવને 15 મિનિટ સુધી સાબુ અને પાણીથી સાફ કરવો જોઈએ. આનાથી ઘાવ પરના જીવાણુઓ ધોવાઈ જશે અથવા નિષ્ક્રિય થઈ જશે. એકવાર રેબીસ (હડકવા) થઈ જાય તો તેની કોઈ રસી શોધાઈ નથી, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જોકે, શ્વાન કરડ્યા પછી લેવાની રસી દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. રખડતા શ્વાનોની સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે માસ વેક્સિનેશન જરૂરી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રખડતા શ્વાનને કાબૂમાં લેવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા રખડતા શ્વાનોને પકડીને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *