પાટણ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘યુનિટી માર્ચ’ અંબાજી નેળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે સ્થાનિક મહિલાઓએ ભાજપના નેતાઓનો ઘેરાવ કર્યો હતો. વોર્ડ નંબર 11ના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામો ન થવાને કારણે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો તેમજ પ્રદેશ અને જિલ્લા કક્ષાના આગેવાનો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પાટણ શહેરના વોર્ડ નંબર 11માં આવેલી માહી સોસાયટી, એપોલોનગર, સોપાન હોમ્સ, સોપાન એલિગન્સ, દીયાંના પ્રાઇમ અને મુનિમજી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. રહીશોના કહેવા મુજબ, અગાઉ નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, ચોમાસું પૂર્ણ થયા બાદ પાણીની લાઈન નાખવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. જોકે, ચોમાસું પૂર્ણ થયાને બે મહિના જેટલો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આથી, જ્યારે યુનિટી માર્ચ આ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે ત્રસ્ત મહિલાઓએ રેલી અટકાવી હતી. તેમણે પ્રમુખ અને કોર્પોરેટરોને ઘેરીને પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરી હતી. મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, માત્ર વાયદાઓ નહીં, પરંતુ આ સમસ્યાનું કાયમી અને ઝડપી નિવારણ લાવવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે, ચોમાસામાં માહી સોસાયટી પાસે જે પાણી ભરાય છે, તેને લઈ રજુઆત કરવા આવ્યાં હતા. આ વિસ્તારમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઈન નાખવાનું રી ટેન્ટર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ટેન્ડર ખોલી આ ભૂગર્ભ ગટરની નવીન લાઈન નાખવામાં આવશે. સાથે 47 લાખના ખર્ચે નવો રોડ બનાવવામાં આવશે.
પાટણમાં યુનિટી માર્ચની રેલી સ્થાનિકોએ અટકાવી:વોર્ડ નંબર 11ના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ, વિકાસના કામો ન થવા મુદ્દે પાલિકા પ્રમુખ અને કોર્પોરેટરનો ઘેરાવ કર્યો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
