ઝાલાવાડની રાજધાની સમા સુરેન્દ્રનગર શહેરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 29મો પાટોત્સવ 16 નવેમ્બર 2024 કારતક વદ 12ના રોજ ધર્મમય માહોલમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ મંગળ અવસરે વિવિધ કાર્યક્રમોની શૃંખલા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. પાટોત્સવના શુભ અવસરે, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ગઢડાના કોઠારી અધ્યાત્મ સ્વરૂપ સ્વામી અને લીંબડી મંદિરના કોઠારી સંત મંગલચરિત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં પાટોત્સવનો વૈદિક વિધિ યોજાયો હતો. આ દરમિયાન હરિભક્તોએ વહેલી સવારે મંગળા આરતી, ત્યારબાદ મહાપૂજાવિધિ, અભિષેક વિધિ તેમજ પાટોત્સવ આરતી અને દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ અવસરનું વિશેષ આકર્ષણ એ હતું કે દરેક હરિભક્તને અક્ષર પુરુષોત્તમ મહારાજ ચલમૂર્તિના અભિષેકનો વ્યક્તિગત લાભ પ્રાપ્ત થયો હતો, જેનાથી સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા હતા. વધુમાં, બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત અધ્યાત્મ સ્વરૂપ સ્વામીએ પાટોત્સવની પ્રતિક રવિ સભામાં બનીએ ચૈતન્ય મંદિર વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. તેમણે નૂતન મંદિરના નિર્માણની સાથે-સાથે દરેકના મન પણ સદ્ગુણોરૂપી મંદિર બને તેવી પ્રેરણા આપી, જે શ્રોતાજનોએ હૃદયપૂર્વક ઝીલી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર મંદિરના કોઠારી ધર્મચિંતન સ્વામી, સંતગણ, કાર્યકરો અને હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.
પાટોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ:સવારે મંગળા આરતી, મહાપૂજાવિધિ, અભિષેક વિધિ, પાટોત્સવ આરતી, દર્શનનો લોકોએ લાભ લીધો
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
