પ્રાચીમાં આયુષ મેળો યોજાયો:'પ્રજા અને પૃથ્વી માટે આયુર્વેદ' થીમ સાથે આરોગ્ય જાગૃતિ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા ‘પ્રજા અને પૃથ્વી માટે આયુર્વેદ’ના ધ્યેયમંત્ર સાથે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારે કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસી ચાવડા, આયુર્વેદ અધિકારી રાજુ ઓઠા, એસ.એમ.ઓ. ડો. વિજયસિંહ ગોહિલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાચીની કારડિયા સમાજની વાડી ખાતે આયોજિત આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય આયુર્વેદને લોકો સુધી સરળતાથી પહોંચાડવાનો હતો. મેળામાં પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા, સુવર્ણપ્રાશન, યોગ, રસોડાની ઔષધિઓ અને આયુર્વેદિક વાનગીઓ સહિત કુલ 12 પ્રકારના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. વિનામૂલ્યે દવા વિતરણ અને આયુર્વેદ-હોમિયોપેથી ઓપીડી સેવાઓ મેળાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની હતી. આયુર્વેદ નિષ્ણાતો દ્વારા નાડી અને પ્રકૃતિ પરીક્ષણ કરીને વિવિધ ગામડાઓમાંથી આવેલા દર્દીઓને અસરકારક સારવાર પૂરી પાડવામાં આવી હતી. જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પણ આપવામાં આવ્યા હતા. આયુર્વેદ અને હોમિયોપેથી ક્ષેત્રે શ્રેષ્ઠ સેવાઓ આપનાર પ્રભાસ પાટણ આયુષ હોસ્પિટલના ડો. નિલમબેન વાળા (આયુર્વેદ) અને ડારી હોસ્પિટલના ડો. સ્વાતિબેન સોલંકી (હોમિયોપેથી) ને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મેળામાં 7 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમના માટે રસોડાની ઔષધિઓ અને તેમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પ્રાચી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ મેળામાં ઉપસ્થિત રહી આયુર્વેદિક સારવાર અને જાણકારીનો લાભ લીધો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *