બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક છે. જિલ્લા ચૂંટણી વિભાગે નાગરિકોને 22 અને 23 નવેમ્બરના રોજ પોતાના મતદાન મથકે હાજર રહેલા BLOને ફોર્મ જમા કરાવવા અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલે વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોને વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, હાલ ચાલી રહેલી મતદારયાદી સઘન સુધારણા કામગીરી હેઠળ નાગરિકોએ ગણતરી પત્રક વહેલામાં વહેલી તકે ભરીને BLOને જમા કરાવવા પડશે. મતદાન મથકે ફોર્મ જમા કરાવવાની આ અંતિમ તક છે. આગામી 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 09:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી BLO (બૂથ લેવલ ઓફિસર) પોતાના મતદાન મથક ઉપર ઉપલબ્ધ રહેશે. જિલ્લાના નાગરિકોને આ સમયગાળા દરમિયાન પોતાના ફોર્મ જમા કરાવવા અપીલ કરવામાં આવી છે. મતદારયાદી સુધારણા પ્રક્રિયાનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ મુજબ, છાપકામ/તાલીમ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2025 સુધી, ઘર-ટુ-ઘર ગણતરી 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. મતદાર યાદીનો મુસદ્દો 9 ડિસેમ્બર 2025ના રોજ પ્રકાશિત થશે. દાવા-વાંધા માટેનો સમયગાળો 9 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026 સુધીનો રહેશે, જ્યારે નોટિસ તબક્કો – સુનાવણી/ચકાસણી 9 ડિસેમ્બર 2025થી 31 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી 2026ના રોજ થશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, “પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદારો સામેલ ન થાય.” જિલ્લા ચૂંટણી વિભાગે આ ઝુંબેશને સફળ બનાવવા નાગરિકોના સહયોગની અપેક્ષા રાખી છે.
બનાસકાંઠામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ:ફોર્મ જમા કરાવવાની છેલ્લી તક, 22 અને 23 નવેમ્બરે BLO મતદાન મથકે હાજર રહેશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
