બોટાદના હડદડ ગામે ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં ગુજરાત હાઈકોર્ટે છ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે. પોલીસે આ કેસમાં કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાંથી 68 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે છ લોકોને જામીન મળ્યા છે તેમાં વાલજી નાથા મેર (મોટા ભડલા), દલસુખ ત્રીકમ જીડિયા (ટાટમ), ઘનશ્યામ ધરમશી ગોહિલ (સાગુઈ), વિનુ મોહન ધોરીયા, ઓધા હરજી ધોરીયા અને રાજેશ પુના ધોરીયાનો સમાવેશ થાય છે. આ ઘટના 12 ઓક્ટોબરે હડદડ ગામે બની હતી. કપાસમાં કડદાના મુદ્દે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિણામે, પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે ગેરકાયદેસર રીતે અને મંજૂરી વગર મહાપંચાયત યોજીને પોલીસ પર પથ્થરમારો કરવા બદલ 85 લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. આ 85 આરોપીઓ પૈકી પોલીસે 68 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે ૧૭ લોકો હજુ ફરાર છે. ધરપકડ કરાયેલા 68 લોકોમાંથી 6 લોકોને હાઈકોર્ટે અમુક શરતોને આધીન જામીન આપ્યા છે.
બોટાદના હડદડમાં ખેડૂત-પોલીસ ઘર્ષણનો કેસ:ધરપકડ કરાયેલા 68માંથી 6 લોકોને હાઈકોર્ટે જામીન આપ્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
