ભચાઉના શિકારપુરમાં જારના ખેતરોમાં આગ લાગી:સ્થાનિકોએ દોઢ કલાકની મહેનત બાદ કાબુ મેળવ્યો, લાખોનું નુકસાન; વીજ તારમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શિકારપુર ગામ નજીક જારના ખેતરોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ખાનગી કંપનીની પવનચક્કીના વીજ તારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગેલી આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના આશરે 2 વાગ્યાની આસપાસ પવનચક્કી નંબર 207 પાસે કંપનીના કર્મચારીઓ દ્વારા કોઈ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ખેતર ઉપરથી પસાર થતા વીજતાર એકબીજા સાથે અથડાતા શોર્ટ સર્કિટ થયો હતો. આ શોર્ટ સર્કિટના તણખા નીચે ઉગેલી જારના પાક પર પડતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગ પવનચક્કી નંબર 207 પાસેથી શરૂ થઈને બાજુના અન્ય બે ખેતરોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. આસગર ત્રાયા, આવેશ ત્રાયા અને હાજી ઉંમર નામના ગરીબ ખેડૂતોના ખેતરોને વ્યાપક નુકસાન થયું હતું. અંદાજિત 100 એકરમાં ઉગેલી જારને બચાવવા ખેડૂત પરિવારોએ મરણીયા પ્રયાસો કર્યા હતા. આગને કાબુમાં લેવા માટે સ્થાનિક લોકો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેઓએ પાણીના ટેન્કર અને ખોદકામના સાધનોની મદદથી લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં અંદાજિત 3 લાખ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું. ગામના રમઝાન ત્રાયાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગના કારણે તેમના પરિવારના હુસેન ત્રાયાના ખેતરની વાડ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *