ભાસ્કર એક્સક્લુસિવ:નિયામકે પ્રા. શાળામાં જ્ઞાન સહાયકથી ઘટ પૂરવા માહિતી મંગાવી, જિ.પં. પ્રમુખ ગાંધીનગરની વાટે

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં નિમણૂક ત્યાં નિવૃત્તિની શરતે ખાસ ભરતી થઈ હતી, જેમાં ધોરણ 1થી 5માં જિલ્લા ફેર બદલી મંજૂર કરાવનારાને છૂટા કર્યા બાદ 1490ની ઘટ હજુયે છે, જેથી શનિવારે ગાંધીનગરથી નિયામકે જ્ઞાન સહાયકની ભરતીથી ઘટ પૂરવા માટે માહિતી મંગાવી હતી. બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખે રાજકીય વગ વાપરીને સ્થિતિ સુધારવા ગાંધીનગરથી વાટ પકડી હોવાના હેવાલ છે. કચ્છ જિલ્લો પ્રાથમિક શિક્ષકની નોકરી મેળવ્યા બાદ વતનમાં બદલી કરાવી લેવાનો પસંદગીનો જિલ્લો બની ગયો હતો, જેથી ભરતી થતી હતી પણ શિક્ષકોના પલાયનથી ઘટ યથાવત રહેતી હતી. જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે અવારનવાર લખ્યો હતો. જેના પડઘા પડ્યા હતા અને જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીને જિલ્લા ફેર બદલી મંજૂર કરાવી લેનારાને છૂટા ન કરવાનો નિર્ણય લીધો હતો અને પગ ખોડીને નિર્ણય ઉપર અડગ રહ્યા હતા. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગંભીરતા સમજીને કચ્છ માટે નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે ખાસ ભરતી કરી હતી, જેમાં ધોરણ 1થી 5 માટે 2500 અને ધોરણ 6થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ધોરણ 1થી 5માં 2500 સામે માંડ એકાદ હજાર જેટલા ભરતી થયા હતા. જે બાદ 570 જ્ઞાન સહાયકથી ઘટ પૂરવા પ્રયાસ થયો હતો. પરંતુ, નિમણૂક પામેલામાંથીય 100 જેટલા હાજર નહોતા થયા, જેથી નિયામકે ફરીથી જ્ઞાન સહાયકની ભરતી કરવા નિર્ણય લીધો છે અને શનિવારે છેલ્લી સ્થિતિનો અહેવાલ મંગાવ્યો છે, જેમાં ધોરણ 1થી 5માં 1490ની ઘટ બતાવાઈ છે. જે એકાદ મહિનામાં જ્ઞાન સહાયકની નિમણૂકથી પૂરવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8માં ભાષાના શિક્ષકો મળી ગયા છે. પરંતુ, ગણિતના હવે મળશે. જે ભરતી બાદ પણ 350 જેટલાની ઘટ રહેશે. એટલે કે તમામ પ્રયાસો છતાં પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં અડધે અડધો સત્ર ઘટ સાથે વીતી ગયો છે અને હવે બાકીનો સત્ર પણ ઘટ સાથે વીતી જશે. જેની ગંભીરતા સમજીને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા રાજકીય વગ વાપરીને નિવેડો લાવવા ગાંધીનગરગયા છે. હા, નિયામકે માહિતી મંગાવી છે : ઈન્ચાર્જ ડી.પી.ઈ.ઓ.
ઈનચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શનિવારે નિયામકે માહિતી મંગાવી હતી. જે સોમવારે મોકલી દેવામાં આવી છે. એ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બનતા પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ ગાંધીનગરમાં રૂબરૂ રજુઆત કરવા માટે સોમવારે નીકળી ગયા છે. કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા તમામ સ્તરના નેતાઓ દ્વારા સ્થાનિકેથી અને ગાંધીનગરથી ગંભીરતાપૂર્વક હકારાત્મક પ્રયાસો ચાલી રહ્યા છે. ભવિષ્યમાં સ્થિતિમાં ખૂબ જ સુધારો જોવા મળશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *