અર્જુન ડાંગર ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાઓથી લુપ્ત થઈ ગયેલા વાઘની ઉપસ્થિતિ ફરી એકવાર જોવા મળી છે. દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ વન્યજીવ અભયારણ્ય માં એક યુવાન નર વાઘે પોતાનો કાયમી વસવાટ બનાવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આ વાઘ ફેબ્રુઆરી 2025થી અહીં નિયમિતપણે જોવા મળી રહ્યો છે, જે ગુજરાતના ઇતિહાસમાં વાઘનો સૌથી લાંબો સમયગાળો છે. વન વિભાગ માટે આ એક મોટી સફળતા અને પડકાર બંને છે. વન વિભાગના અધિકારીઓના મતે, આ વાઘને કોઈ પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સલોકેટ (લાવવામાં) આવ્યો નથી. રતનમહાલનું જંગલ મધ્યપ્રદેશની સરહદ પર આવેલું હોવાથી, મધ્યપ્રદેશમાં વધતી વાઘની વસ્તીને કારણે આ યુવાન નર વાઘ નવા ક્ષેત્રની શોધમાં કુદરતી રીતે ભટકીને ગુજરાતની સરહદમાં પ્રવેશ્યો છે. હાલ વન વિભાગ દ્વારા સતત તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2019 માં પણ મહીસાગર જિલ્લામાં એક વાઘ જોવા મળ્યો હતો, જે મધ્યપ્રદેશના રાતાપાની અભયારણ્યમાંથી આવ્યો હતો, પરંતુ તે 20 દિવસમાં જ ખોરાકની અછતને કારણે મૃત્યુ પામ્યો હતો. ‘હા વાઘ આવ્યો, સ્થાયી થયો હોવાની સંભાવના’
વાઘ સામાન્ય રીતે એકલો આવતો હોય છે જ્યારે સિંહ ફેમિલીમાં હોય છે. અત્યારે તે સર્વેલન્સ હેઠળ છે. હવે એવું લાગે છે કે આ વાઘ સેટલ થયો છે . નહીંતર અગાઉ પણ આવતા અને જતા રહેતા. હાલ તેના માટે ખોરાક-પાણીની વ્યવસ્થા કરી છે . આગળ હવે ટેક્નિકલ બાબતો થી કામ કરી રહ્યા છીએ. -અર્જૂન મોઢવાડિયા, વન અને પર્યાવરણ મંત્રી વાઘના સંરક્ષણ માટે વન વિભાગનું ‘મિશન ચીતલ’
વાઘની લાંબા ગાળાની હાજરીને સુનિશ્ચિત કરવા માટે વન વિભાગ સતર્ક થયું છે. જંગલમાં વાઘનો મુખ્ય ખોરાક એવા ચીતલ અને સાંભર જેવા પ્રાણીની વસ્તી વધારવા માટે તેમને અન્ય જંગલોમાંથી લાવવામાં (ટ્રાન્સલોકેટ) આવ્યા છે. વાઘ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતના નકશા પર રતનમહાલની નવી ઓળખ
આ ઘટનાને પગલે વન વિભાગ હવે રતનમહાલ અભયારણ્યને ‘ટાઇગર્સ આઉટસાઇડ ટાઇગર રિઝર્વ્સ’ પ્રોજેક્ટમાં સામેલ કરવા માટે વિચારણા કરી રહ્યું છે. જો આ વાઘ અહીં કાયમી વસવાટ કરે તો રતનમહાલને નવી ઓળખ પણ મળી શકે છે. સિંહ, દીપડા અને વાઘની ઉપસ્થિતિ હોય એવું ગુજરાત એકમાત્ર રાજ્ય
ગુજરાત આજે દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં એશિયાટિક સિંહ, ભારતીય દીપડો અને હવે વાઘ, આ ત્રણેય ટોચના શિકારી એક જ કુદરતી પરિદૃશ્યમાં સાથે જોવા મળી રહ્યા છે. આ સિદ્ધિ જેટલી ઉત્સાહજનક છે, તેની પાછળ એટલી જ જટિલ સંરક્ષણ વ્યૂહરચનાઓ, મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, પર્યાવરણીય ફેરફારો અને વૈજ્ઞાનિક નિર્ણયો છુપાયેલા છે. વાઘનું રોકાણ: માત્ર સંયોગ નહીં, જંગલની અનુકૂળતાનો સંકેત
મધ્યપ્રદેશથી ભટકીને આવેલો 4 વર્ષનો આ નર વાઘ છેલ્લા 9 મહિનાથી દાહોદના રતનમહાલના જંગલોમાં સ્થાયી થયો છે. વનતંત્ર માને છે કે આ માત્ર સ્થળાંતર નથી, પરંતુ સંકેત છે કે રતનમહાલનું ઇકોસિસ્ટમ હવે વાઘના કાયમી વસવાટ માટે અનુકૂળ બની ગયું છે વાઘના વસવાટ માટે ગુજરાતમાં આટલી અનુકૂળતા
જળ સ્ત્રોત: પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા.
શિકાર: શિકાર પ્રાણીઓની વસ્તીમાં વધારો.
માનવીય દખલ: પ્રમાણમાં ઓછું માનવીય દબાણ.
ભૂગોળ: પહાડી અને ગીચ જંગલો જે વાઘને છુપાવવા માટે આશ્રય આપે છે. સૌથી મોટો સવાલ: શું ત્રણેય શિકારીઓ વચ્ચે સંઘર્ષ થશે?
વન વિભાગના નિષ્ણાંતો આ અંગે હાલ પૂરતા આશ્વસ્ત છે. ત્રણેય શિકારીઓના હાલના ક્ષેત્રોમાં પૂરતું ભૌગોલિક અંતર છે.
ભાસ્કર એક્સક્લૂસિવ:…સિંહની ધરતી પર હવે વાઘ આવ્યો, મંત્રી પ્રવીણ માળીનો દાવો- રતનમહાલના જંગલમાં 4 વર્ષના વાઘનો 9 મહિનાથી વસવાટ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
