પાછોતરા વરસાદના કારણે શાકભાજીનો પાક નિષ્ફળ જતાં મહેસાણા શહેરમાં હાલ ટીંડોળી, વટાણાં, ભીંડા અને તુવેર સહિતના ભાવ કિલોના રૂ.100ને પાર પહોંચી ગયા છે. શહેરના હોલસેલ શાકમાર્કેટના વેપારી સૂત્રોએ કહ્યું કે, મહેસાણા સહિત રાજ્યભરમાં માવઠું થયું, તેમાં શાકભાજીના વાવેતરમાં બગાડ થતાં પાક ઓછો ઉતર્યો છે. જેથી યાર્ડમાં આવક ઓછી આવતાં ભાવ ઉંચકાયા છે. વેપારી સાજીદભાઇએ કહ્યું કે, કાઠિયાવાડી તુવેર આવી રહી છે. ચાર દિવસ પહેલાં હોલસેલમાં તુવેરના પ્રતિ કિલો રૂ.40 ભાવ હતા. આજે ડબલ રૂ.80 થયા છે. એટલે, છૂટકમાં તો ભાવ હજુ વધશે. આવી સ્થિતિ મરચાંના ભાવ રૂ.20થી વધીને રૂ.35 હોલસેલમાં થયા છે. બેંગ્લુરુથી આવતા આદુના ભાવ ત્રણ દિવસ પહેલાં હોલસેલમાં રૂ.50 હતા, જેમાં રૂ.20નો વધારો થઇ રૂ.70 થયા છે. રીંગણ, ભટ્ટા, રવૈયાના ભાવ પખવાડિયાથી હોલસેલમાં રૂ.60 જળવાયા છે. બાકી શાકભાજીના ભાવમાં ઓછા પાકના લીધે વધારો થયો છે. મહેસાણાના બજારમાં અત્યારે શાકભાજીના ભાવમાં ખાસ્સો વધારો આવેલો હોઇ ગૃહિણીઓ રસોડા મેનેજમેન્ટમાં કયું શાકભાજી ખરીદવું તેને લઇને લારી લારીએ ફરીને પછી ખરીદી કરતી જોવા મળી રહી છે. હોલસેલ શાકમાર્કેટમાં પણ અઠવાડિયાથી ગીલોડી સહિતની શાકભાજીની આવક ખેડૂતોથી ઓછી આવી રહી છે. બીજી તરફ ભાવ વધતાં છૂટક લારીવાળા બગાડમાં ફટકો ન આવે એટલે શાકભાજીનો જથ્થો ઓછો લાવી રહ્યા છે.
ભાસ્કર એનાલિસીસ:શાકભાજીનો પાક નિષ્ફળ જતાં મહેસાણામાં ટીંડોળી, વટાણાં, ભીંડા, તુવેરના ભાવ કિલોએ રૂ.100ને પાર
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
