ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાણી વિનાનું પાયાનું શિક્ષણ આંગણવાડીના‎બાળકો શૌચક્રિયા માટે પણ ઘરે જવા મજબૂર‎

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

આદિવાસી બહુલ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે આવેલી બે આંગણવાડીઓમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતાં નાના ભૂલકાંઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. દિવ્ય ભાસ્કરની ટીમ સ્થળની મુલાકાત લેતાં માલૂમ પડ્યું કે બંને આંગણવાડીઓના પાણીના પંપ (મોટર) ખરાબ થઈ ગયા છે અને બોરમાં ફસાઈ ગયા છે, જેના કારણે બાળકો પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યાં છે. ખાસ કરીને, શૌચાલયમાં પાણી ન હોવાથી બાળકોને ઉપયોગ માટે ઘર સુધી જવું પડે છે, જેનાથી શિક્ષણ અને પોષણ કાર્યક્રમ પર સીધી અસર પડી રહી છે. છતા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ બેફિકર છે. અને ભૂલકાઓ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. આંગણવાડી – 1 : ચાર મહિનાથી પાણીનો બોર બંધ છે‎
ભાણાવાડીની આંગણવાડી નં. 1માં આશરે ચાર મહિનાથી પાણીનો બોર બંધ છે, જેથી સંચાલિકા બહેનોને આસપાસના ઘરોમાંથી ડોલ વડે પાણી લાવવું પડે છે. આંગણવાડી-2 : બોરની અંદર મોટર ફસાતા પાણી બંધ‎
વળી, ભાનાવાડી આંગણવાડી નં. 2નું તો દશેરાના દિવસે જ નવીન અને આધુનિક મકાનનું લોકાર્પણ કરાયું છે. પરંતુ, તેના બાજુમાં આવેલા પાણીના બોરમાં મોટર ફસાઈ જવાથી અહીં પણ પાણીની સુવિધા મળી નથી. આધુનિક સુવિધા ધરાવતું મકાન પાણીના અભાવે અર્થહીન સાબિત થયું છે. સંચાલકો બાજુની સ્કૂલોમાંથી પાઇપો દ્વારા પાણી મેળવવા મજબૂર છે. તંત્રએ કહ્યું : અમને જાણ નથી, તાત્કાલિક જોડાણ કરાશે
આ અંગે વ્યારાના સીડીપીઓ જાસ્મીનાબેન ચૌધરીએ સ્વીકાર્યું હતું કે, આંગણવાડી નં. 1માં પાણી બંધ છે તેની અમને જાણ નહોતી. તેનું તાત્કાલિક જોડાણ કરાશે.આંગણવાડી નં. 2નું મકાન એક મહિના પહેલાં જ કાર્યરત કરાયું છે. આ બંને સ્થળોએ પાણીની પડતી મુશ્કેલી અંગે તાત્કાલિક ધોરણે ધ્યાન આપીને જોડાણ કરી લેવામાં આવશે. ભૂલકાંઓના પાયાના શિક્ષણ પર માઠી અસર‎
સંચાલિકા બહેનોએ જણાવ્યું કે, થોડાક ડોલ પાણી પર પીવાનું, રસોઈ, સફાઈ અને બાળકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાની મુશ્કેલી વધી છે. શૌચાલયો પાણી વગર સંપૂર્ણપણે બિનઉપયોગી થઈ છે. ૩ થી ૬ વર્ષની વયના બાળકો માટે શૌચાલયના ઉપયોગ માટે વારંવાર ઘરે જવું પડતાં ઘણાં બાળકો આંગણવાડી છોડીને જતા રહે છે, જે શિક્ષણ અને પોષણ કાર્યક્રમ પર વિપરીત અસર કરે છે. પાણીની વ્યવસ્થા માટે સંચાલિકાઓનો સમય વ્યય થતાં શિક્ષણ અને સંભાળની ગુણવત્તા પણ ઘટી રહી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *