પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલ શ્રી કૃષ્ણા–રૂક્ષ્મણી યાત્રાધામનો વિકાસ સતત ગતિ પકડી રહ્યો છે. કુલ 91 કરોડથી વધુના માસ્ટર પ્લાન હેઠળ આ તીર્થધામનો સર્વાંગી વિકાસ હાથ ધરાયો છે. જેમાંથી બીજા તબક્કાના રૂ. 43.72 કરોડના વિકાસ કાર્યોને રાજ્ય સરકારે મંજુરી આપી છે. પ્રથમ તબક્કામાં 48 કરોડના કાર્યોનું લોકાર્પણ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માધવપુર ઘેડ યાત્રાધામના વિકાસનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, જેમાં 48 કરોડના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ તબક્કામાં શ્રી રૂક્ષ્મણીમાતા મંદિર અને બ્રહ્મકુંડ જેવી મહત્વપૂર્ણ ધાર્મિક જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોરી માયરાની જગ્યાને વિકસાવવામાં આવી છે અને માધવરાયજી મંદિર માર્ગ પર બીચ ડેવલપમેન્ટ, મુખ્ય પ્રવેશ દ્વાર અને મેળા ગ્રાઉન્ડનો વિકાસ કરીને યાત્રાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. બીજા તબક્કામાં 43 કરોડથી વધુના મહત્ત્વપૂર્ણ કાર્યો
પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે બીજા તબક્કામાં 43 કરોડથી વધુના ખર્ચે બીજા તબક્કાના મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરવામાં આવશે. આ તબક્કાનું મુખ્ય કેન્દ્ર શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ છે. સાથે જ, યાત્રાધામને વધુ આકર્ષક બનાવવા માટે 300 મીટરનું બીચ ડેવલપમેન્ટ કરવામાં આવશે. મુલાકાતીઓની સુવિધા માટે પાર્કિંગ પરિસરનો વિકાસ, ફૂડ કોર્ટ, ફાઉન્ટેન, અને લેન્ડસ્કેપિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવશે. અન્ય સુવિધાઓમાં સ્કલ્પચર, સાઈનેજ, ફૂડ કિઓસ્ક, શૌચાલય અને સેલ્ફી પોઇન્ટ્સનો પણ સમાવેશ થાય છે, જેમાં કાચબા ઉછેર કેન્દ્રથી મંદિર સુધીનો રસ્તો 9 મીટર પહોળો કરવામાં આવશે. માધવપુર ઘેડનો વિકાસ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી સહિત અનેક યાત્રાધામોનો આધુનિક સુવિધાઓ સાથે ઝડપી વિકાસ થઈ રહ્યો છે. માધવપુર ઘેડ યાત્રાધામ પણ આ અભિયાનનો મહત્વનો ભાગ છે. માધવપુર ઘેડ યાત્રાધામના આ બે તબક્કાના વિકાસથી સ્થાનિક સ્તરે અનેક મોટા ફેરફારો આવશે. યાત્રાળુઓને 360 ડિગ્રી સુવિધાઓ મળવાથી તેમનો પ્રવાસ વધુ સરળ અને સુખદ બનશે, જેના પરિણામે પ્રદેશમાં આધ્યાત્મિક પ્રવાસનમાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રોજેક્ટ માધવપુરના સર્વાંગી વિકાસ માટેનું પ્રવેશદ્વાર સાબિત થશે, અને પ્રવાસીઓની અવરજવર વધવાથી સ્થાનિક આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે, જે સ્થાનિક લોકોને રોજગારી અને આવકની નવી તકો પૂરી પાડશે.
માધવપુર ઘેડ યાત્રાધામનો 91 કરોડના ખર્ચે વિકાસ થશે:બીજા તબક્કામાં માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, બીચ ડેવલપમેન્ટ સહિતનાં કામો શરૂ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
