- કાર્બોસેલ અને સફેદ માટીની બેફામ ચોરી છતાંય તંત્રના આંખ આડા કાન
- દેશી જુગાડ કૂવા જેવડા હોલમાં અંદર ટ્રેક્ટર ચાલી શકે તેવાં પોલાણ કરી દેવાયા
- ગેરકાયદેસર ખનીજ ચોરીના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનુ નુકશાન
મૂળી-થાનગઢ તાલુકામાં જમીનમાં ઉંડા ખાડા ખોદી કાર્બોસેલ-સફેદ માટીની ખુલ્લેઆમ ખનીજ ચોરી થતી હોવાનો જોખમી ખતરનામ રીતે ખાડામાં ટ્રેકટર ઉતારાતુ હોવાનો વીડિયો સામે આવતા તંત્રની મિલીભગતથી થતી આ ગેરકાયદેસર ખનીજ ચોરીના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનુ નુકશાન થાય છે. જ્યારે શ્રામીકોના જીવ ઉપર મોટુ જોખમ તોળાતુ હોવાથી આ ખનીજ ચોરી કયારે અટકે છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળી, થાનગઢ અને સાયલા વિસ્તારમાં મોટાપાયે કાર્બોસેલ, સફેદ માટી અને બ્લેકટ્રેપ સહિતનું ખનીજ જમીનમાંથી મળી આવે છે. ત્યારે મૂળી અને થાનગઢ વિસ્તારમાં સાતસોયેક જગ્યાએ ઉંડા ખાડા ખોદીને ગેરકાયદેસર કાર્બોસેલ-સફેદ માટીનું ખનન કરી ઓવરલોડ ડમ્પર ભરીને રાજ્યના અનેક વિસ્તારોમાં છડેચોક પહોંચાડાય છે. ત્યારે આખુ ટ્રેકટર ચરખી દ્વારા ઉંડા ખાડામાં ઉતારી આ ગેરકાયદે રીતે કોલસાનું ખનન થતુ હોવાનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયેલ છે. આ વિસ્તારમાં કાર્બોસેલની અમુક જ લીઝ હતી. જ્યાં વર્ષોથી કાર્બોસેલ ખાલી થયો હોવા છતાંય અનેક સરકારી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર ખનન કરાઇ રહયુ છે. જમીનમાં ઉંડાણ સુધી ખોદકામ કરીને કાર્બોસેલ કાઢતા હોવાથી શ્રામીકો ઉપર પણ મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે સદર બદીને અટકાવવા માટે કલેકટર, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવે એવી સમગ્ર વિસ્તારના લોકોમાં માંગ ઉઠી છે.
દેવપરાનો ટ્રેકટર અકસ્માત શંકાના દાયરામાં
મૂળીના દેવપરા-વગડીયા પાસે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા સમયે ઉંડા ખાડામાં પડી ગયેલા ટ્રેકટર નીચે દટાઇને બે લોકોના મોત થયા હતા, ત્યારે મૂળી પોલીસે બેદરકારીથી ટ્રેકટર ચલાવતા પડી ગયાનું જણાવ્યુ હતું. પરંતુ ખનીજ ચોરી કરતી વખતે ટ્રેકટર પડી જવાથી મોત થયાનું ચર્ચાઇ રહયુ હતુ. જેથી મુળી પોલીસ શંકાના દાયરામાં દેખાઇ રહી છે.
ગેરકાયદે કાર્બોસેલ-સફેદ માટીનું ખનન થાય છે
મૂળી તાલુકાના સડલા, ગઢડા, ખંપાણીયા, દેવપરા, વગડીયા, પલાસા, ઉમરડા, ધોળીયા, ભેટ, કળમાદ, સરા, રાણીપાટ, ચોરવીરા, ચિત્રાલાખા અને ઈશ્વરિયા સહિત થાનગઢના ખાખરાથળ સહિતના અનેક વિસ્તારમાં કાર્બોસેલ અને સફેદ માટીની ખનીજ ચોરી થાય છે.
ખનીજચોરી અટકાવવા કડક કાર્યવાહી કરાશે : કલેકટર
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટે જણાવેલ કે ખાણ ખનીજ, રેવન્યુ વિભાગ અને પોલીસની મદદ લઇ ગેરકાયદેસર ખનીજ ચોરી થતી જગ્યાઓએ ચેકીંગ કરાવી કડકમાં કડક કાર્યવાહી કરીશું.
