- રિક્ષાચાલક દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ તળે નોંધાવવામાં આવી ફરિયાદ
- આરોપીએ યુવાનની જમીન પર પાકનું વાવેતર કરી નાખ્યું
- કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા કાર્યવાહી શરૂ
અબડાસા તાલુકાના મોટા કરોડિયામાં ગાંધીધામના રિક્ષાચાલકની જમીન પર કરોડિયાના જ શખસે ગેરકાયદે કબજો કરી લીધો હતો. જે અંગે રિક્ષાચાલકે જમીન દબાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મૂળ મોટા કરોડિયાના અને હાલે ગાંધીધામની જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ નાગશીભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર મોટા કરોડિયા ગામની સીમમાં તેમની ખેતીની જમીન આવેલી છે. જોકે, કરોડિયાની આ જમીન ગોવિંદભાઇના પિતા નાગશીભાઇની માલિકીની હતી. જોકે, વર્ષ 1998માં નાગશીભાઇએ ગોપાલભાઇ નારાણ ગઢવીને બંને જમીનના સાટા કરાર કરી આપ્યા હતા, નોટરી કરવામાં આવી નહોતી, પરંતુ તેમણે જમીન પેટેના રૂપિયા ન આપતાં સાટા કરાર રદ ગણવામાં આવ્યા હતા. વર્ષ 2011માં ગોપાલ ગઢવીએ બંને જમીન મામલે નલિયા કોર્ટમાં દિવાની દાવો કર્યો હતો જે દાવામાં ગોવિંદભાઇની જીત થઇ હતી. બાદમાં ગોપાલ ગઢવી સેશન્સ કોર્ટમાં ગયા હતા અને સેશન્સ કોર્ટમાં પણ ગોવિંદભાઇ કેસ જીતી ગયા હતા.
વર્ષ 2019માં ગોપાલ ગઢવીનું નિધન થયું હતું અને બાદમાં તેમના પુત્ર કરશન ગોપાલ ગઢવી ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા, જેમાં પણ ચુકાદો ગોવિંદભાઇ તરફ આવ્યો હતો. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગોવિંદભાઇ પોતાની બંને જમીન પર આંટો મારવા માટે ગયા હતા ત્યારે કરશન ગઢવીએ ગેરકાયદેસર કબજો કરીને તેના પર વાવણી કરી નાખી હતી અને તેણે તે જમીન પર ગોવિંદને પ્રવેશ કરવા દીધો નહોતો. જે અંતર્ગત લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતાં કોઠારા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
