મોરબીના આંદરણામાં સરપંચ સહિત 200 AAPમાં જોડાયા:ભાજપ ધારાસભ્યની નીતિથી નારાજ થઈ સામૂહિક પક્ષપલટો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

મોરબી જિલ્લાના આંદરણા ગામમાં ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ગામના સરપંચ, ઉપસરપંચ સહિત 200 જેટલા યુવાનોએ ભાજપ છોડી આમ આદમી પાર્ટી (AAP)માં પ્રવેશ કર્યો છે. સ્થાનિક ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ થઈને આ સામૂહિક પક્ષપલટો કરવામાં આવ્યો છે. આ ઘટના આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ગામડાઓમાં કરવામાં આવી રહેલા પ્રવાસ દરમિયાન બની હતી. આંદરણા ગામે યોજાયેલી AAPની સભામાં ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ સભામાં જ સરપંચ નિતેશભાઈ ચાવડા અને ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયાની આગેવાની હેઠળ 200 જેટલા યુવાનોએ AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાન કે.ડી. બાવરવા અને મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. AAPના આગેવાનો દ્વારા ગ્રામજનો સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગામના આગેવાનોએ જણાવ્યું કે, કેનાલની જમીન માટે કપાત, રોડ-રસ્તાની સમસ્યાઓ અને ગામનું તળાવ ભરવા સહિતના અનેક પ્રશ્નો અંગે ભાજપના ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, આજદિન સુધી આમાંથી એક પણ કામ થયું નથી. આથી, ભાજપના ધારાસભ્ય અને આગેવાનોની કાર્યપદ્ધતિથી નારાજ થઈને આ સામૂહિક પક્ષપલટો કરવાનો નિર્ણય લેવાયો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *