નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના નવાફળિયા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં નવેમ્બર માસનું અનાજ વિતરણ દરમિયાન ભારે હોબાળો મચ્યો છે. સરકારી યોજના હેઠળ આપવામાં આવેલા ઘઉં સડેલા, કોહવાઈ ગયેલા, જીવાત પડી ગયેલા અને જાળા બાઝી ગયેલા હોવાનું ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો. ગ્રાહકોના મતે, આ અનાજની ગુણવત્તા એટલી ખરાબ હતી કે પશુઓ પણ તેનો ઉપયોગ ન કરી શકે. દુકાનદારનું ઉદ્ધત વર્તન
જ્યારે કાર્ડ ધારકોએ આવા સડેલા અનાજ લેવાનો ઇનકાર કર્યો, ત્યારે સ્થાનિક દુકાનદારે તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે. કાર્ડ ધારકોના જણાવ્યા મુજબ, દુકાનદારે તેમને સ્પષ્ટ કહી દીધું કે, “અમે અપાતા નથી, સરકારને રજૂઆત કરવાની હોય તો કરો. લેવા હોય તો લ્યો… નહિતર ફેંકી દો.” દુકાનદારના આવા વર્તનથી ગ્રાહકોનો રોષ વધુ ભડક્યો હતો. મામલતદારને લેખિત રજૂઆત
આ ગંભીર મામલે નવા ફળિયા, ગણેશ ચોક વિસ્તારના ભૈયા રોશનબેને નાંદોદ મામલતદાર તેમજ નર્મદા કલેક્ટરને લેખિત અરજી કરી છે. તેમણે આ અંગે તાત્કાલિક પગલાં ભરવા અને ન્યાય અપાવવા માંગ કરી છે. કાર્ડ ધારકોએ ખરાબ અનાજ લેવાનો બહિષ્કાર કરતાં મામલો કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સુધી પહોંચ્યો છે. ખરાબ અનાજ માટે કોણ જવાબદાર?
આવી નીચી ગુણવત્તાના સડેલા અનાજના વારંવાર વિતરણ પાછળ કોણ જવાબદાર છે, તે એક મોટો સવાલ છે. રાજ્ય સરકારમાંથી આવતા અનાજના જથ્થાનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ચેકિંગ કરીને મોકલવામાં આવે છે. સવાલ એ થાય છે કે જો અનાજ ખરાબ હોય તો જિલ્લા ગોડાઉન મેનેજર તેને કેમ પાછો નથી મોકલતા? ગોડાઉન મેનેજર દ્વારા ચેકિંગ બાદ પણ વારંવાર સડેલો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ માટે કેમ પહોંચે છે? શું ગોડાઉન મેનેજર પોતાની ફરજમાં બેદરકાર છે? કાર્ડ ધારકોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલે તપાસ કરીને જે પણ જવાબદાર હોય, પછી તે ગોડાઉન મેનેજર હોય કે અન્ય અધિકારી, તેમની સામે કડક પગલાં લેવામાં આવે.
રાજપીપળામાં સસ્તા અનાજની દુકાને સડેલા ઘઉં અપાતા ગ્રાહકોનો હોબાળો:'લેવા હોય તો લ્યો… નહિતર ફેંકી દો' કહી દુકાનદારે ઉદ્ધત વર્તન કર્યાનો આક્ષેપ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
