વંદેમાતરમના 150 વર્ષની ઉજવણી:આરસી કોલેજ ઓફ કોમર્સના એનએસએસ વિભાગે કાર્યક્રમ યોજ્યો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ સ્થિત આરસી કોલેજ ઓફ કોમર્સના એનએસએસ વિભાગ દ્વારા “વંદેમાતરમ્150 વર્ષ”ની ઉજવણી કરવામાં આવી. કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વંદેમાતરમ ગાનનું રાષ્ટ્રના સ્વતંત્રતા સંઘર્ષમાં મહત્વ, તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ તથા દેશભક્તિના સંસ્કારનો સંચાર કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓને વંદેમાતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં થઈ રહેલી ઉજવણીમાં જોડાવા આહવાન કરાયું હતું. એનએસએસના સ્વયંસેવકો અને કોલેજના અનેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કેમ્પસના ખુલ્લા વાતાવરણમાં ગુંજેલું વંદેમાતરમ ગાન સૌના હૃદયમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી ગયું. ત્યારબાદ, પ્રોફેસર પરિમલ ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને વંદેમાતરમ ગીતના ઇતિહાસ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે સમજાવ્યું કે બંકિમચંદ્ર ચટર્જીએ 1882માં આ ગીતની રચના કરી હતી અને કેવી રીતે આ ગીતે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અસંખ્ય ક્રાંતિકારીઓને પ્રેરણા આપી હતી. તેમણે વંદેમાતરમના સાંસ્કૃતિક, સાહિત્યિક અને રાષ્ટ્રીય મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો. પ્રા. ડૉ. ભરત ભાટીએ વંદેમાતરમના 150મા વર્ષ નિમિત્તે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે આયોજિત વિશેષ કાર્યક્રમો અને ઉજવણીઓ વિશે માહિતી આપી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે આ અવસર માત્ર ઉજવણીનો નહીં, પરંતુ આપણા રાષ્ટ્રીય વારસાની ઓળખ અને તેને આગલી પેઢી સુધી પહોંચાડવાનો છે. તેમણે વિદ્યાર્થીઓને વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમમાં ચર્ચા સત્ર પણ યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને અનેક વિચારપ્રેરક પ્રશ્નોની સમજ આપવામાં આવી. કાર્યક્રમના અંતે, પ્રો. ડૉ. ચિંતન પંડ્યા અને પ્રો. ડૉ. વર્ષા પટેલે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વાભિમાન, એકતા અને સક્રિય નાગરિકત્વના સંદેશા સાથે શુભકામનાઓ આપી. સમૂહમાં વંદેમાતરમના નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એનએસએસના સ્વયંસેવકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓનું યોગદાન પ્રશંસનીય રહ્યું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સમાજસેવા અને સાંસ્કૃતિક જાગૃતિનો સંદેશ મજબૂત બન્યો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *