વડગામમાં 'સરદાર@150 યુનિટી માર્ચ' પદયાત્રા યોજાઈ:કચ્છ-પાટણના સાંસદોની હાજરીમાં એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અભિયાન અંતર્ગત બનાસકાંઠાના વડગામ ખાતે પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાનો હતો. આ પદયાત્રામાં અધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ યાત્રા દ્વારા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પદયાત્રાનો પ્રારંભ મગરવાડા મણિભદ્ર વીર મંદિરથી થયો હતો અને તેની પૂર્ણાહુતિ નળાસર ખાતે કરવામાં આવી હતી. સાંસદો સહિત પદયાત્રીઓએ ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ એકતા શપથ પણ લીધા હતા. પદયાત્રીઓએ સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિત અન્ય અધિકારીઓ, મહાનુભાવો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *