
Vadodara : વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી એલેમ્બિક સિટીના રસ્તાનો છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો કંપનીએ રસ્તો બંધ કરી દીધા બાદ સયાજીગંજના ધારાસભ્યએ રજૂઆત કરતા આજથી રસ્તો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એલેમ્બિક સિટીમાંથી પસાર થતો 18 મીટરનો રસ્તો કોની માલિકીનો છે? એવો સવાલ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ મ્યુ. કમિશનરને કર્યો હતો. આ રોડ રસ્તાનો ઉપયોગ સામાન્ય નાગરિક કરી શકે કે નહીં? એવી રજૂઆત બાદ આ રોડ રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો કરાતા ગેંડા સર્કલથી શાસ્ત્રી બ્રિજ તરફ જતા વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે શહેરના ગોરવા વિસ્તારમાં ઇન ઓર્બીટ મોલ સામે એલેમ્બિક સિટીમાંથી પસાર થતો 18 મીટરનો રોડ રસ્તો કોની માલિકીનો છે તેઓ સવાલ ધારાસભ્ય કેયુર રોકડિયાએ પાલિકા કમિશનર સમક્ષ કરી જણાવ્યું હતું કે એલેમ્બિક સિટીમાંથી જ્યોતિ કંપની થઈને શાસ્ત્રી બ્રિજ બાજુ નીકળતા રોડ રસ્તા પર એલેમ્બિક કંપની દ્વારા ગેટ મૂકી દેવાયો છે અને ચારે બાજુએ બેરીકેડિંગ મૂકીને સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવ્યો છે.
