વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો:અકાળા ગામમાં લાંબા સમયથી દીપડાની રંજાડથી ભયનો માહોલ; વન વિભાગે તાત્કાલિક પાંજરું મૂકી દીપડાને આબાદ રીતે પકડી લીધો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓ વારંવાર વસાહત તેમજ વાડી વિસ્તારમાં આવી ચડવાના બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે આજે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગામેથી એક દીપડાને આબાદ રીતે પાંજરે પૂરવામાં આવતા સ્થાનિક લોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.​ અકાળા ગામના ખેડૂતોના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ ધામા નાખ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે ભય ફેલાયો હતો. દીપડો ઘણી વખત ખેડૂતોની વાડીએ જતા રસ્તાઓમાં પણ બેસી જતો હોવાથી લોકોને પોતાની વાડી વિસ્તારમાં જવા માટે પણ ડરના માહોલમાં જીવવું પડતું હતું.​ આ અંગે અકાળા ગામના ખેડૂત ઉદયસિંહ કાગડાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાની ઘણી રંજાડ હતી, જેનાથી અહીંના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.ખેડૂતોની રજૂઆતને પગલે આરએફઓ એ.એમ. ચૌધરીને જાણ કરવામાં આવતા, તેમણે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ સ્ટાફને સૂચના આપી હતી. વન વિભાગે ગઈકાલે દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં પાંજરું મૂક્યું હતું. આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં આ દીપડો આબાદ રીતે પકડાય ગયો હતો.​ ફોરેસ્ટ સ્ટાફે દીપડાને પકડવાની આ કામગીરી તાત્કાલિક કરી હતી. દીપડાને પાંજરે પૂર્યા બાદ તેને સલામત સ્થળે એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીથી ગ્રામજનો અને ખેડૂતોએ ભયમુક્ત થઈ સંતોષ વ્યક્ત કર્યો છે અને વન વિભાગનો આભાર માન્યો છે. ખેડૂતો હવે નિર્ભયતાથી પોતાની વાડીએ જઈ શકશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *