વાપી મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રાખી હતી. ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ મોટા પાયે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત મોરાઈ વિસ્તારમાં ભંગારના 12 ગેરકાયદેસર ગોડાઉન, મુક્તાનંદ માર્ગ પર કોમન પ્લોટમાંથી બનેલી ગેરકાયદેસર દુકાનો અને નાયકવાડ કચીગામ રોડ પરના ભંગારના 18 ગોડાઉન તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નામધા રોડ વિસ્તારમાં એક ગેરકાયદેસર ચાલનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કોર્પોરેશનનો ઇલેક્ટ્રિક વિભાગ, ફાયર વિભાગ, વાપી શહેર પોલીસ સ્ટાફ અને વીજળી વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને ચીમકી આપી છે કે કોઈપણ બાંધકામ શરૂ કરતા પહેલાં ફરજિયાત પરવાનગી મેળવવી. રહેણાંક વિસ્તારોમાં GPCB અને ફાયર વિભાગના ‘ના વાંધા પ્રમાણપત્ર’ વિના ભંગારના ગોડાઉન કે આવા વ્યવસાયો ન કરવા પણ અપીલ કરાઈ છે. વાપી મહાનગરપાલિકા દ્વારા આશરે 300 ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ બાંધકામો સામે વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં મિલકત ધારકો દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં, મહાનગરપાલિકાની ટીમે બીજા દિવસે પણ ડિમોલિશન ચાલુ રાખ્યું હતું. આગામી દિવસોમાં આ કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે.
વાપીમાં ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી:300 મિલકત ધારકોને નોટિસ બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
