વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તુરંત 112 નંબર ઉપર કોલ કરીને ફાયર બ્રિગેડને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના સમયે સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, કચરાને કારણે આગ લાગી છે અને કોર્પોરેશન કચરો લેવા આવતુ નથી. આ ઉપરાંત તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી 112 સેવાને પણ આડેહાથ લીધી હતી. અહીં કોઇ નેતા કે કોર્પોરેટર ફરકતા પણ નથીઃ મનિષભાઈ
સ્થાનિક મનિષભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અહીં બહારના લોકો કચરો ફેંકી જાય છે, જેના કારણે કચરાનો ઢગલો થઇ ગયો છે. કચરામાં આગ લાગતા બે કાર સળગી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીં સફાઇ કરવામાં આવતી નથી. અહીં કોઇ નેતા કે કોર્પોરેટર ફરકતા પણ નથી. ‘112 નંબરની સેવા એકદમ રોંગ છે’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નવી શરૂ કરેલી 112 સેવા ફ્રોડ છે. અમે ફોન કરીએ તો કોણ બોલો છો, કેવી રીતે થયું એવા સવાલો કરે છે. 4 વખત ફોન કરીએ ત્યારે રિસ્પોન્સ આપે છે. એના કરતા, 100, 101 અને 108 નંબરની સેવા સારી છે. એને સેલ્યુટ છે, એને ચાલુ રાખો. 112 નંબરની સેવા એકદમ રોંગ છે. માણસ બળીને ખાખ જાય, ત્યારે સેવા મળે તેવી હાલત છે. 112ની સેવા ગુજરાત અને વડોદરાને નથી જોઇતી. 112ને કારણે આજે ફાયરબ્રિગેડની ટીમ મોડી પહોંચી છે. તપાસ બાદ આગનું સાચુ કારણ બહાર આવશેઃ ફાયર વિભાગ
વડોદરા ફાયર બ્રિગેડના સબ ઓફિસર પ્રતાપભાઈ ડામોરે જણાવ્યું હતું કે, જૂની રાજશ્રી ટોકીઝની સામે મકાનમાં આગ લાગી છે, તેવો કોલ મળ્યો હતો. પરંતુ અહીં પહોંચ્યા, ત્યારે 2 કારમાં આગ લાગી હોવાનું જોવા મળ્યું હતું, જેથી સતત 5 મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને કાર પાર્કિંગ કરેલી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું લાગે છે. તેમ છતાં તપાસ બાદ આગનું સાચુ કારણ બહાર આવશે.
વિશ્વામિત્રીના કિનારે પાર્ક બે કાર ભડભડ સળગી ઉઠી:સ્થાનિકોએ કહ્યું-112 સેવા ફ્રોડ છે, કોઇ માણસ બળીને ખાખ જશે, ત્યારે આવશે!
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
