વેરાવળમાં કાશ્મીરી પરિવાર ઝડપાયો:ત્રણ વર્ષથી ગુજરાતમાં ભીખ માંગવાની કબૂલાત, યુગલની બાળકો સાથે પૂછપરછ, SOG પણ તપાસમાં જોડાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વેરાવળ શહેરમાં સુરક્ષા એજન્સીઓની હલચલ જોવા મળી છે. મુસાફરખાનામાંથી જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી મમદ સીદીક નાઝીર આહમદ મીર, તેમની પત્ની શબનમ અને તેમના બે બાળકો, 4 વર્ષનો એઝન અને 2 વર્ષની અક્ષા, શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં યુગલે જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ રાજ્યના ભરૂચ, ગોધરા અને માંગરોળ જેવા શહેરોમાં ફર્યા બાદ વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળના મુસાફરખાનામાં રોકાયા બાદ સંચાલક દ્વારા તેમની શંકાસ્પદ ગતિવિધિઓની જાણ વેરાવળ પોલીસને કરવામાં આવી હતી, જેના પગલે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. વેરાવળ પોલીસ અને SOGની ટીમે યુગલની વિગતવાર પૂછપરછ કરી હતી. તેમની આપેલી માહિતીની ખરાઈ કરવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક કે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી. જોકે, સુરક્ષા એજન્સીઓ તેમની પૃષ્ઠભૂમિ અને રાજ્યમાં તેમની હાજરી અંગે વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે આવેલી મદીના મસ્જિદમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકો મળી આવ્યા હતા. તે પ્રકરણમાં મસ્જિદના સંચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. આ અગાઉની ઘટનાને કારણે સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે, જેના પરિણામે વેરાવળના મુસાફરખાનામાં રોકાયેલા આ કાશ્મીરી યુગલ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે રજૂ કરાયા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *