ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિયેશન (IEASA) ની છઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદનો બુધવારથી ભુજમાં આરંભ થયો છે.કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ તથા મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ત્રણ દિવસીય પરિષદનો મુખ્ય વિષય વિકસિત ભારત 2047 છે. મહિલા કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા આ પ્રારંભિક સત્રમાં ભારતના આર્થિક ભવિષ્ય, જ્ઞાનની શક્તિ અને ઝડપથી પરિવર્તિત થતી દુનિયામાં કૌશલ્ય વિકાસની જરૂરિયાત પર ખાસ ચર્ચા કરાઈ હતી. પરિષદ સંયોજક પ્રો. વિજય વ્યાસે જણાવ્યું કે નોંધણી કરાવેલા પ્રતિનિધિમાંથી 60થી વધુ પ્રતિનિધિ ગુજરાત બહારથી આવ્યા છે. IEASAના સચિવ પ્રો. આલોક કુમારે ઓક્ટોબર 2018માં માત્ર સાત સ્થાપક સભ્યો સાથે શરૂ થયેલી સફર યાદ કરાવી જણાવ્યું કે આજે એસોસિયેશન પાસે 744 સભ્યો છે. આ પરિષદમાં ત્રણ દિવસ દરમિયાન 127થી વધુ સંશોધન લેખો રજૂ થવાના છે.સ્થાપક અધ્યક્ષ ડૉ. ગિરિરાજસિંહ રાણાએ સંશોધકોને આ પરિષદને પ્રભાવશાળી સંશોધન અને બૌધિક વિકાસનું સાધન બનાવવા જણાવ્યું હતું. સંજય પાસવાને કહ્યું કે,બચાવેલી શક્તિ એ કમાયેલ શક્તિ અને બચાવેલું ધન એ કમાયેલું ધન છે. સુશીલ કુમાર સિંહે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે આ પોર્ટ કચ્છ અને સમગ્ર ગુજરાત માટે વેપાર, ઉદ્યોગ અને રોજગારનું મુખ્ય કેન્દ્ર છે. પ્રો. આલોક કુમાર ચક્રવાલએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ કે કૌશલ્ય વિકાસ, અનુભવ આધારિત શિક્ષણ અને સર્વાંગી વિકાસ વૈશ્વિક અર્થવ્યવસ્થાની તૈયારી માટે અનિવાર્ય છે. રોબિન ભૌમિકે જણાવ્યું કે, વિકસિત ભારત 2047ના સપનાની પૂરતી સિધ્ધિ માટે કુશળ માનવસંસાધન સૌથી મહત્ત્વનું છે. પ્રમાદ નાથજીએ કહ્યું કે ભવિષ્ય તેઓનું છે જે શીખી શકે, ભૂલી શકે અને ફરી શીખી શકે. રોહિત શુક્લએ જણાવ્યું કે શાસ્ત્રીય સંશોધન માટે ખુલ્લી વિચારસરણી જરૂરી છે.અલકનંદા પટેલએ વારસા થી વિકાસ વિષય પર સંતુલિત દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો.કુલપતિ ડૉ. મોહન પટેલે કચ્છની સ્થિતિસ્થાપકતા અને વિકાસની સફર પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે કચ્છ આજે નવીનતા અને અવસરોથી ભરપૂર ભૂમિ . પરિષદની સ્મૃતિ પુસ્તિકા, ચાર સંશોધન જર્નલ અને પાંચ નવી શૈક્ષણિક પુસ્તકોનું વિમોચન કરાયું હતું. પરિષદ અધ્યક્ષ પ્રો. તુષાર શાહે આર્થિક સુધારા, સામાજિક પ્રગતિ અને સહયોગી સંશોધનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.બપોર બાદ પ્લેનરી સત્રનું અધ્યક્ષસ્થાન પ્રો. અશોક મિત્તલ, પ્રોફેસર એમેરિટસ, દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીએ કર્યું અને પ્રો. સુનીતા ગુપ્તા, અર્થશાસ્ત્ર વિભાગ, આગ્રા કોલેજે રેપોટિયર તરીકે કામગીરી સંભાળી.સત્રનો પ્રારંભ અર્પણ યાલિક, પ્રોગ્રામ હેડ, પેન સ્ટેટ યુનિવર્સિટીના ઉદ્બોધનથી થયો. તેમણે ભય દૂર કરો, સર્જનાત્મકતા જગાવો વિષય પર વિચારો રજૂ કર્યા. ડૉ. માર્જાના જૌહોલા, એસોસિએટ પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ હેલસિંકી ફિનલેન્ડ દ્વારા ભારતના વિકાસ માર્ગોની તુલનાત્મક ભૂગોળીય દૃષ્ટિ રજૂ કરાઈ હતી.એસપી યુનિવર્સિટીના પૂર્વ વીસી પ્રો. હરીશ પાઘે વિકસિત રાષ્ટ્ર બનવાની તૈયારી પર ચર્ચા કરી.પ્રો. એસ. એસ. કલમકર, ડાયરેક્ટર, સરદાર પટેલ યુનિવર્સિટીએ કૃષિનો પરિવર્તન વિષય પર વિશ્લેષણ રજૂ કર્યું.સત્રમાં ડૉ. આઈ.જી. પટેલ સ્મૃતિ વ્યાખ્યાન યોજાયું, જે પ્રો. પ્રસાદ રાવ મિચારલા, સભ્ય. 5મી રાજ્ય નાણાકીય કમિશન, આંધ્રપ્રદેશે રજૂ કર્યું હતું. વર્લ્ડ બેંકના સિનિયર ઇકોનોમિસ્ટ ઓનલાઇન જોડાયા
આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સત્રમાં વર્લ્ડ બેંકના સિનિયર ઇકોનોમિસ્ટ સૌમ્યા બાલાસુબ્રમણ્યમ, પોપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પેન્સિલ્વેનિયાના ડૉ. જોર્ડન જેક્સન અને દીપાક્ષી સિંહ સેન્ટર ફોર ઇકોનોમિક પોલિસી રિસર્ચ, યુનિવર્સિટી ઑફ ગ્રોનિંગન જોડાયા અને વૈશ્વિક આર્થિક અને વિકાસલક્ષી પ્રશ્નો પર દૃષ્ટિકોણ ઉમેર્યા હતા.
શિક્ષણ:કચ્છ પ્રદેશની ભૂમિ નવીનતા અને અવસરોથી ભરપૂર છે
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
