ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને રાષ્ટ્રના એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં કાલે તા. 19 અને 20 નવેમ્બરના રોજ પાંચ વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર દક્ષિણની પદયાત્રામાં જોડાશે. હર્ષ સંઘવી ગાંધીનગર દક્ષિણની પદયાત્રામાં જોડાશે
કલેક્ટર મેહુલ દવેએ પદયાત્રાના સંપૂર્ણ કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઉજવણી બે દિવસમાં વહેંચાયેલી છે. પ્રથમ દિવસે 19 નવેમ્બરના રોજ બે સ્થળોએ પદયાત્રાનો પ્રારંભ થશે. કલોલ વિધાનસભા વિસ્તારમાં સવારે 10 વાગે નારદીપુરથી મોખાસણ-ભાદોલ થઈ ધમાસણા સુધીની યાત્રા શરૂ થશે. આ જ દિવસે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં બપોરે 4 વાગ્યે પીડીપીયુ ક્રોસ રોડ (શ્યામ શુકન) પાસેથી યાત્રા શરૂ થશે, જે સરદાર ચોક, કુડાસણ ખાતે પૂર્ણ થશે. આ પદયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહીને પદયાત્રીઓનો ઉત્સાહ વધારશે.બીજા દિવસે 20 નવેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લાના અન્ય ત્રણ વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે ત્રણેય યાત્રાઓ બપોરે 3 કલાકે શરૂ થશે. સરઢવ-રૂપાલથી રાંધેજા સુધી પદયાત્રા યોજાશે
દહેગામ તાલુકામાં નાંદોલ ગામેથી યાત્રા શરૂ થઈને સલકી, વર્ધાના મુવાડા, અંગુથલા અને ધારિસણા સુધી જશે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં સરઢવ-રૂપાલથી રાંધેજા સુધી પદયાત્રા યોજાશે, જ્યારે માણસા તાલુકામાં લોદરાથી પદયાત્રાનો પ્રારંભ થઈને રીદ્રોલ-પાટણપુરા થઈ આજોલ સુધી પહોંચશે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી બી. જે પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે યોજાઈ રહેલી આ યાત્રાઓની સુંદર અને વ્યવસ્થા સભર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે. એન વાઘેલાએ પણ મહાનગરપાલિકામાં યોજાનારી પદયાત્રાના રૂટની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે માટે તેમણે રૂબરૂ રૂટ મુલાકાત પણ કરી લીધી છે.
સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિતે 19-20 નવે.એ પદયાત્રા:ગાંધીનગર જિલ્લાની વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા નીકળશે, નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર દક્ષિણની પદયાત્રામાં જોડાશે
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
