સાંતલપુર કોલેજમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ:વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિબંધ, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડૉ. રાજાભાઈ આયરના પ્રાસંગિક ઉદ્બોધનથી થઈ હતી. તેમણે “સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારત” વિષય પર વિવિધ ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને આજના સમયમાં તેની અનિવાર્યતા સમજાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને સરદાર સાહેબને યાદ કરીને સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા હાકલ કરી હતી. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ માદરપાટ (સૂતર) ના કાપડ પર રાષ્ટ્રધ્વજ, ગાંધીજી, સરદાર પટેલ અને સ્વદેશી અપનાવવા અંગેના વિવિધ ચિત્રો અને સૂત્રો દોરી પોતાના વિચારો રજૂ કર્યા હતા. અન્ય વિદ્યાર્થીઓએ નિબંધના માધ્યમથી સરદાર પટેલના જીવન અને તેમના સ્વદેશી અંગેના વિચારોને લગતા વિષય પર નિબંધ લેખન કર્યું હતું. આ અવસરે, સૌએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી આત્મનિર્ભર ભારત નિર્માણના સામૂહિક શપથ લીધા હતા. સ્પર્ધાઓના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. નિબંધ સ્પર્ધામાં સુથાર કૌશિકભાઈ (સેમ.2) પ્રથમ અને સોલંકી હિતેશભાઈ દ્વિતીય સ્થાને રહ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં પરમાર નયનાબેન (સેમ.4) પ્રથમ, માળી રિદ્ધિ (સેમ.2) દ્વિતીય અને પ્રજાપતિ મીતલ (સેમ.4) તૃતીય સ્થાને રહ્યા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં ગામી પરેશભાઈ (સેમ.6) એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રોનો સારો સહકાર સાંપડ્યો હતો. સમગ્ર કાર્યક્રમ અને સ્પર્ધાઓનું આયોજન મુલાકાતી વ્યાખ્યાતા પ્રિયાબેન, આરતીબા અને કલ્પનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વ્યવસ્થા શ્રી પ્રદીપસિંહ દ્વારા સંભાળવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમ કોલેજના આચાર્ય ઇન-ચાર્જ ડૉ. રાજાભાઈ આયરની પ્રેરક ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *