
Surat Corporation News : સુરતના વરાછા સહિત સમગ્ર શહેરમાં ગેરકાયદે દબાણ સામે આક્રમક કામગીરી થઈ રહી છે પરંતુ વરાછા ઝોનના દબાણ વિભાગના એક અધિકારીના તુમાખીભર્યા વર્તનના કારણે હવે પાલિકાની કામગીરી સામે પાથરણાવાળા સહિત અન્ય લોકોમાં પણ ભારે રોષ ફેલાઈ રહ્યો છે. લોકોનો રોષ જોઈને ઝોન દ્વારા અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે. ઝોનના અધિકારીએ જણાવ્યું છે કે, આ નોટિસનો ખુલાસો મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં ગેરકાયદે દબાણ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી આક્રમક રીતે કરવામાં આવી રહી છે. પાલિકાની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણ વિભાગના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટે શુક્રવારે મોડી સાંજે રજુઆત કરવા આવનારા મહિલા પાથરણાવાળા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી.
