અમદાવાદના સી.જી. રોડ પર જવેલર્સની દુકાન ધરાવતાં સોનીને હત્યા કરવાની ધમકી આપીને 15 લાખની ખંડણી ઉઘરાવવાના ગુનામાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ડી.વી. પટેલે ત્રણ આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવાનો હુક્મ કર્યો છે. આ આરોપીઓ પૈકી વિશાલ ગોસ્વામી તથા રિન્કુ ગોસ્વામીને 1.75 લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. જયારે આરોપી સતીષગીરી ગોસ્વામીને 4 લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. આ દંડની રકમમાંથી ફરિયાદી સોનીને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા
આ કેસની વિગત જણાવતાં સ્પેશ્યલ પી.પી. ચેતન કનૈયાલાલ શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, શહેરના સી.જી. રોડ પર આવેલા ધર્મરાજ જવેલર્સના માલિક પાસેથી સને 2014માં વિશાલ ગોસ્વામી અને રિન્કુ ગોસ્વામીએ 50 લાખની ખંડણી માંગી હતી. તેમાંથી 11 લાખ રૂપિયા તેમણે જણાવ્યા પ્રમાણેના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. તેમાંથી આરોપી સતીષગીરીના ખાતામાં 4 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. આ કેસમાં ખાસ સરકારી વકીલ ચેતન કે. શાહ તથા મદદનીશ સરકારી વકીલ કમલેશ જૈને ફરિયાદી, અન્ય સાહેદો તેમ જ તપાસ કરનારા અધિકારીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેસ ચાલી ગયો હતો. આજે બપોરે એડીશનલ ચીફ જયુડીશયલ મેજીસ્ટ્રેટ ડી.વી. પટેલે ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જયારે બીજા ત્રણ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. આરોપીઓએ ફરિયાદી સોની પાસેથી કુલ 50 લાખની ખંડણી માંગી હતી
આ કેસમાં ખાસ નિમણૂંક પામેલાં ખાસ સરકારી વકીલ ચેતન કે. શાહે જણાવ્યું હતું કે, આરોપી વિશાલ ગોરસ્વામી મોટી ગેંગ ચલાવે છે. તેમાં 25થી 30 માણસો કાર્યરત છે. આરોપીઓએ ફરિયાદી સોની પાસેથી કુલ 50 લાખની ખંડણી માંગી હતી. તેમાંથી 11 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. બીજા ચાર લાખ ચુકવે ત્યાં સુધીમાં ફરિયાદ દાખલ થઇ હોવાથી પોલીસે આરોપીઓને પકડી લીધાં હતા. રિન્કુ ઉર્ફે રાજવીર ઉર્ફે રાજ રામવીર ભવાનગીરી ગોસ્વામી, પ્રિતમપુરી ગોસ્વામી, જયપુરી ઉર્ફે જયપ્રકાશ ગોસ્વામી, અર્જુનસીંહ, મનીષ, વિજય ઉર્ફે અરવિંદની સામે ગુનો દાખલ થયો હતો. વિશાલ સામે 25થી વધારે કેસો છે. આ ઉપરાંત ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત કુલ 60થી વધારે કેસો છે. આ લોકોનો મુખ્ય ટાર્ગેટ સોનીઓ છે. સોનીઓ પાસે તમારે શાંતિથી ધંધો કરવો હોય તો ખંડણી માંગવામાં આવે છે. જો તે ના આપે તો તેમનું ખૂન કરી નાંખવામાં આવે છે. આ આરોપીઓ પૈકી વિશાલ તથા રિન્કુને અગાઉ બીજા ગુનામાં સજા કરવામાં આવી છે. એક કેસમાં તો 21 વર્ષની સજા કરવામાં આવી છે. વિશાલે કાકા પર ફાયરિંગ કરીને ક્રાઇમની દુનિયામાં એન્ટ્રી કરી
વિશાલ રામેશ્વરપુરમ ગોરસ્વામી મૂળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના શિવલાલકાપુર ગામનો વતની છે. ગામની અંદર કાકા-બાપા વચ્ચે વિખવાદ થતાં સામ-સામે ફાયરિંગ થયું હતું, જેથી વિશાલના પરિવારે મધ્યપ્રદેશથી રાજસ્થાનના ભરતપુરમાં સ્થળાંતર કર્યું, જયાં વિશાલના પિતા નાનું-મોટું કામ કરતા હતા. વિશાલ અને તેના ભાઈઓ ડ્રાઇવિંગ વગેરેનું કામ કરતા હતા. જોકે વિશાલ ગોસ્વામીને જલદીથી પૈસાદાર બનવું હતું, જેથી તેના પરિવારે ધીમે ધીમે ગુનાખોરીની દુનિયામાં કદમ રાખ્યા. પહેલા રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ અને દિલ્હીમાં તેણે લૂંટ શરૂ કરી હતી. ત્યાર બાદ તેણે ગુજરાતમાં પગ રાખ્યો હતો. અમદાવાદ અને ભુજમાં વિશાલ ગોસ્વામી અને તેના ભાઈએ ગેસ એજન્સીમાં ડ્રાઇવર તરીકેની નોકરીની આડમાં લૂંટ કરવાનું શરૂ કર્યું હતું. સૌ પહેલા તેમણે ભુજના માધાપર વિસ્તારની બેંકમાં લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તેમણે અમદાવાદની બે બેંકમાં લૂંટ કરી. આ સિવાય વેજલપુરમાં મુથુટ ફાઇનાન્સ કંપનીમાં લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તો તેમણે જ્વેલર્સને લૂંટવાનું તેમજ તેમની પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. વિશાલ ગોસ્વામીનો ગુનાહિત ઈતિહાસ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુજરાતમાં પહેલો ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો
ગુજરાતમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખસની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા હતા. શહેરમાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સક્રિય થઈ હતી. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકી ભર્યા ફોન કરવામાં આવી રહ્યાં હતા અને ખંડણી માગવામાં આવી રહી હતી.
સોની પર ફાયરિંગ, 15 લાખની ખંડણી માગનારને દોષી જાહેર:કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણેય આરોપીઓને 5 વર્ષની સજાનો કોર્ટનો હુક્મ, બે આરોપી પહેલાથી જેલમાં
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
