31st નજીક આવતા જ બુટલેગર તત્ત્વોના ઉધામા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર આઇશર ટ્રકમાંથી વિદેશી દારૂ
  • પ્રથુગઢથી 4 કિલો ગાંજો ઝડપાયો
  • કોબીજ, ફલાવરની આડમાં દારૂ છુપાવીને લઇ જવાતો હતો

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર જિલ્લા એલસીબીના સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી, એ સમયે બાતમીવાળી શંકાસ્પદ આઇશર ગાડી સોલડીની સીમમાંથી પસાર થતા સમયે રોકી તપાસ કરતા શાકભાજીની આડમાં વિદેશી દારૂ લઇ જતા એક શખ્સને રૂ. 4.30 લાખના દારૂ સાથે અને પ્રથુગઢ ગામેથી 4 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 31મી ડિસેમ્બરમાં ઠેર ઠેર અનોખી રીતે ઉજવણીઓ થતી હોય છે અનેક લોકો દારૂ, ગાંજા સહિતની નશાયુકત વસ્તુઓ દ્વારા ડીજેના તાલે પણ પાર્ટીઓ કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ, ગાંજા સહિતની નશાયુકત વસ્તુઓની હેરફેર અને ગેરકાયદેસર વેપલાને ડામવા જિલ્લા પોલીસ સતર્ક થઈ છે, ત્યારે ધ્રાંગધ્રા હાઇવે ઉપર મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની ચોકકસ બાતમી એલસીબી પીઆઇ વી.વી. ત્રિવેદીને મળતાની સાથે જ હિતેશભાઇ જોગરાણા સહિતના સ્ટાફની ટીમ ધ્રાંગધ્રા હાઇવે ઉપર વોચમાં ગોઠવાઇ ગઇ હતી. આ સમયે સોલડી ગામની સીમ પાસે હોટલ નજીક શંકાસ્પદ આઇશર ગાડી પસાર થતા સમયે રોકી તપાસ કરતા ગાડીમાં કોબીજ ફલવારના શાકભાજીના કોથળા ભરેલા હતા. પરંતુ પોલીસે નીચે તપાસ કરતા મોટાપાયે વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા 2387 બોટલ દારૂ, 1055 બોટલ બીયર અને ડ્રાઇવર પાસેથી એક મોબાઇલ ફોન, રોકડા 2500 સહિત કુલ રૂ. 9,56,700નો મુદમાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ સાથે ખેડાના મહેમદાવાદના સોહેબ સકીમહંમદ મન્સુરીને ઝડપી લઇ દારૂ ભરી આપનાર મનુભાઇ રહે.દાહોદવાળા સહિત બંને સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકાના પ્રથુગઢ ગામનો એક શખ્સ ગેરકાયદે ગાંજાનું વેપલો કરતો હોવાની બાતમી ડીવાયએસપી જે.ડી.પુરોહીતને મળતાની સાથે જ એસઓજી પીઆઇ એસ.એમ. જાડેજા અને ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ યુ. એ. વાઘેલાની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. રેડમાં હસન ઉર્ફે ટોલીયો અબ્દુલ કુરેશી પાસેથી 4 કિલો 300 ગ્રામ ગાંજો કિંમત રૂ.43,000નો કબજે કર્યો હતો. તેની સાથે એક મોબાઇલ ફોન પણ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ધ્રાંગધ્રા તાલુકામાં પોલીસે વિદેશી દારુ પર તવાઈ બોલાવતા બુટલેગર તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

તપાસ બજાણા પોલીસને સોંપાઈ

ડીવાયએસપી જે.ડી.પુરોહીતે જણાવેલ કે ગાંજાના કેસની રેડ કર્યા બાદ ફરિયાદ પીઆઇની હાજરીમાં લેવાય. પરંતુ તપાસ બીજાને આપવાની હોવાથી બજાણા પીએસઆઇ ઝાલાને તપાસ અને આરોપી સોંપી દેવાયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *