ACFએ વનકર્મી યુવતીને પામવા પત્ની, પુત્ર-પુત્રીનો કાંટો કાઢી નાંખ્યો?:2022થી બન્ને વચ્ચે વાતચીત થતી, યુવતીની 1 કલાક પૂછપરછ કરી, લાલ રંગના લિક્વિડનું ઘેરાતું રહસ્ય

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

5 નવેમ્બરે, 2025ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહને દાટી દીધા હતા. ભાવનગર પોલીસે આરોપી શૈલેષ ખાંભલાને ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, પોલીસ તપાસ દરમિયાન આ હત્યાકાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ACF શૈલેષ ખાંભલાએ વનકર્મી યુવતીને પામવા પત્ની, પુત્ર-પુત્રીનો કાંટો કાઢી નાંખ્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2022માં ફરજ દરમિયાન એક વનકર્મી મહિલા સાથે શૈલેષ ખાંભલાને મિત્રતા કેળવાઈ હતી અને બંને વચ્ચે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી રહેતી હતી. જોકે, પોલીસે આ મામલે યુવતીને બોલાવી 1 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત લાલ રંગના લિક્વિડનું ઘેરાતા રહસ્યને લઈને પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. પોલીસે રિમાન્ડ મેળવવા કોર્ટમાં આ 7 મુદ્દા રજૂ કર્યા
ભાવનગર ત્રિપલ હત્યા કેસમાં તપાસનો ધમધમાટ વધુ તીવ્ર બન્યો છે. ભાવનગર પોલીસ દ્વારા 18 નવેમ્બરના રોજ આરોપી શૈલેષ ખાંભલાને રિમાન્ડ મેળવા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેને ધ્યાને લઈને પોલીસ હવે આ કેસમાં દરેક પાસાને ખંગોળી રહી છે. રિમાન્ડ મેળવવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં 7 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીનો વનકર્મી યુવતી સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ
પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપી શૈલેષ ખાંભલાને એક વનકર્મી યુવતી સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે વર્ષ 2022થી વાતચીત થતી હતી અને ખાત તો આ હત્યાનો બનાવ બન્યો તેની પહેલાં-પછીના દિવસોમાં તે બંને વાતચીત થઈ હતી. જેને લઈને 18 નવેમ્બરની રાત્રિના વનકર્મી યુવતીને બોલાવી પોલીસ દ્વારા પૂછપરછ કરી તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે, પ્રેમ પ્રકરણ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ
આ સાથે જ આરોપી શૈલેષ ખાંભલાએ BSC-કેમેસ્ટ્રી કર્યું છે. જેથી તેણે મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે કે નહીં તે માટે ઘટનાસ્થળે મૃતક પાસેથી મળી આવેલી લાલ રંગની બોટલની તપાસ માટે એફએસલમાં મોકલવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત પરિવારને ખાડામાં દાટી ફિલ્ડ વિઝીટમાં તળાજા જતો રહ્યો હતો. આરોપી તળાજા જતી વખતે કપડાં શેત્રુંજી નદી ફેકીં દીધા હતા. તેમજ તમામના ચપ્પલ એક થેલીમાં નાખી શહેરના દેસાઈનગર વિસ્તારમાં નાખી દીધા હતા. ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી?
આરોપી શૈલેષ ખાંભલા પરિવારની હત્યા કરી શોધખોળના બહાને સુરત જતો રહ્યો હતો. આ હત્યાના ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં. વધુ તપાસમાં પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરે લીધેલા કપડાં, કોટાસ્ટોન (પથ્થર) કપડાંમાં ભરી દીધા તેના સેમ્પલ અને ઘટનાસ્થળેથી ઓશિકા, ચાદર સહિતના સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ તમામ સેમ્પલ ભાવનગર પોલીસે કબજે કરી ગાંધીનગર અને જૂનાગઢ FSL લેબ ખાતે મોકલી આપ્યા છે. કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ જધન્ય અપરાધમાં ગુનાના મૂળ સુધી પહોંચવું જરૂરી હોવાને લઈને ભાનવગર પોલીસ દ્વારા આરોપી શૈલેષ ખાંભલાના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એટલે કે, તારીખ 25 નવેમ્બરના બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શેતાન શૈલેષે પત્ની અને પુત્ર-પુત્રીને પતાવી દીધાં, જાણો ભાવનગરમાં ACFના ઘરમાં શું શું થયું? તારીખ: 5 નવેમ્બર, 2025
સ્થળ: ફોરેસ્ટ કોલોની, ભાવનગર
સમય: સવારના 7.00થી 8.00 ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે 6 નવેમ્બરે થોડી ચહલપહલ હતી. આમ તો અવાવરૂ જેવી આ જગ્યામાં ખાસ કોઈની અવરજવર જોવા મળતી નથી, પરંતુ એ દિવસે ત્યાં અચાનક માટીનાં ડમ્પર આવે છે. આ દરમિયાન એક બીટ વનરક્ષક ફોરેસ્ટ વિભાગના ક્વાર્ટર પાછળ આવેલા ખાડા તરફ જવા લાગ્યો, પરંતુ સામેથી અચાનક જ અવાજ આવ્યો… તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે, જોકે તે વ્યક્તિનો સાપ પર પગ નહોતો આવ્યો, પણ એક ખતરનાક ખૂની ખેલને છુપાવવા માટેની માત્ર એક ટ્રિક હતી. 5 નવેમ્બર, 2025ની સવાર હતી. હજુ તો સૂરજ દાદા ઊગી રહ્યા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં શાંતિ છવાયેલી હતી અને ઘણા લોકો ઊંઘમાં હતા. બરાબર આ જ સમયે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ક્વાર્ટરમાં એક ખતરનાક ષડ્યંત્રને અંજામ આપવાની તૈયારીઓ થઈ રહી હતી. આ તૈયારીઓ બીજા કોઈએ નહીં, પણ એક વર્ષ પહેલાં જ પ્રમોશન લઈને ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) બનેલા શૈલેષ ખાંભલાએ કરી હતી. આગળ જતાં આ ભયંકર અને ધ્રુજાવી દેનારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનવાની હતી. શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતાં, જોકે તેઓ સુરતમાં રહેતાં હતાં, પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યાં હતાં. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી, જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો. 5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સૂતાં હતાં ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઊઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઊંઘી રહેલાં તેનાં પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો. ત્રણેયની લાશ નિકાલ કરવા પ્લાનિંગ ઘડ્યું. 8.30 વાગ્યે ખેલ પૂરો કરી દીધો
7 વાગ્યે વહાલસોયા સંતાનો અને પત્નીને પતાવી દીધાં બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા, પરંતુ હવે એમાં લાશ મૂકવા અને પછી એને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાર્ટરથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બન્નેના મૃતદેહ નાખી દીધા. હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો તે 8.30નો સમય બતાવતી હતી. ડેડબોડી ખાડામાં નાખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાખી દીધું. શેતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો. તે ભાવનગરમાં જ હતો, પણ ઘરે ન આવ્યો. ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાંની જાણવા જોગ નોંધાવી. તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતો અને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો. પોલીસે આ જાણવા જોગના આધારે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી, જેમાં પત્ની નયનાબેન, દીકરી પૃથા તથા દીકરો ભવ્યના ફોટો-આધાર કાર્ડ વગેરે માહિતી મેળવી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ મેસેજથી મોકલી આપવામાં આવ્યો હતો. સિક્યોરિટીએ કહ્યું, મેં તો તેમનાં પત્ની કે બાળકોને જોયાં નથી
8 નવેમ્બરના રોજ ગુમ થયેલાં નયનાબેનનો મોબાઇલ નંબરના સીડીઆર મગાવવામાં આવ્યા. આ દરમિયાન ACF શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયાં હોવાનું સિક્યોરિટીએ જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે સિક્યોરિટીની પૂછપરછ કરતાં બાળકો કે પત્નીને જોયાં ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી, સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતાં પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતાં રહ્યાં હતાં એના પર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મગાવી એમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની વધુ પૂછપરછ કરી હતી. મેસેજ ડ્રાફ્ટમાં જ પડ્યો રહ્યો ને શૈલેષનું કામ તમામ થઈ ગયું
શૈલેષે વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો, જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે એવી વાત લખી હતી, જોકે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં, કારણ કે ફોન એરોપ્લેન મોડમાં જ હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા એ મિસમેચ આવ્યો હતો. એના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો. પોલીસે RFOને પૂછ્યું ને એક બાદ એક રહસ્યો ખૂલવા લાગ્યાં
આ સાથે જ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતાં પોલીસે તેનો મોબાઈલ ટ્રેસ કરી એમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેઇલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવતાં તે નંબરની વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતાં અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું. 2 નવેમ્બરે ખાડા કરવા સૂચના આપી, પછી માટી નખાવી
ત્યાર બાદ 15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણિયાનું નિવેદન લેવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે શૈલેષે તેના ક્વાર્ટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સૂચના આપી. ત્યાર બાદ આ જ ખાડાને ફરી બૂરવા માટે શૈલેષે સૂચના આપી. આ સૂચનાને પગલે વનરક્ષક વિશાલ પનોતે બે ડમ્પર મોરમ (ટાશ) મગાવી ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં ભરાવીને એ જગ્યા સમતલ કરાવી હતી. એને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી. ‘ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે’
આ ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસે નિવેદન આપવા બોલાવ્યા, જેમાં તેમણે જણાવ્યું કે 6 નવેમ્બરે સવારના 8.35 વાગ્યે પોતાના મોબાઇલ ફોન પર RFO મિત વાણિયાએ ફોન કરી કહ્યું કે ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે. બે ડમ્પરની વ્યવસ્થા કરવાની છે એમ કહેતાં કુલદીપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી બે ડમ્પર મોકલવા જણાવ્યું હતું. આ પછી સવારે 10 વાગ્યે ડમ્પરવાળાનો ફોન આવ્યો, જેથી પોતે તથા RFO વાણિયાનો ડ્રાઇવર સંજય રાઠોડ બન્ને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને ACF ખાંભલાને ફોન કરી ડમ્પર ક્યાં નાખવાના છે એમ પૂછતાં કહ્યું હું આવું છું. ‘તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને એ કરડી જશે’
ત્યાર બાદ થોડીવારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાનાં છે? એમ પૂછતા તેણે કહી દીધું કે આ ડમ્પર પાછળ લઇ લો, જ્યાં તેના કવાર્ટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ દરમિયાન શૈલેષ પણ ક્વાર્ટર પાછળ થઈને જ્યાં ડમ્પર નાખવાનાં હતાં એ ખાડા બાજુ ગયો. આ દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા ત્યારે શૈલેષે કહ્યું કે તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને એ કરડી જશે. ‘ખાડામાં રાત્રે એક રોઝડું પડી ગયું હતું એટલે મેં ગાદલું નાખ્યું’
આ ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી? અહીં માટી પડેલી છે એનાથી જેસીબીથી પુરાવી દેત. ત્યારે ખાંભલાએ કહ્યું કે ખાડામાં રાત્રે એક રોઝડું(નીલગાય) પડી ગયું હોવાથી એને ખાડામાંથી બહાર કાઢવા માટે મેં ગાદલું નાખી દીધું હતું અને એના સહારે રોઝડું બહાર નીકળી ગયું હતું. ત્યાર પછી જેસીબીથી ખાડાને બૂરી દેવાયો હતો. એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો
ત્યાર પછી તેમણે બે માણસો લાવી જગ્યા સમથળ કરાવી દેજો એમ કહેતાં જગ્યાને સમથળ કરાવી દીધી હતી. 16 નવેમ્બરના રોજ ગિરીશ બલદાણિયાના નિવેદન પ્રમાણે RFO વાણિયા સાહેબના કહેવાથી 2 નવેમ્બરે બપોર પછી જેસીબી લઈ ફોરેસ્ટ કોલોનીમાં એસીએફ ખાંભલાના ક્વાર્ટર પાસે તેના જણાવ્યા પ્રમાણે એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો. 6 નવેમ્બરે ખાડાઓ બૂરવા માટે વધુ મોરમ(માટી) મગાવી એને ભરી દેવાનું કહ્યું. એ બાદ મોરમ લઈને ખાડાઓ બૂરી આપ્યા હતા. ભાવનગરના ફોરેસ્ટ અધિકારીને ફાંસીની માગ સાથે સુરતમાં કેન્ડલ માર્ચ, લોકોની ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપવાની માગ ભાવનગરમાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં ‘ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યાથી પરિવાર આઘાતમાં; ભારે હૈયે વીડિયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરી ભાવનગરમાં ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્નિ, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ ભારે હૈયે સોશિયલ મીડિયા મારફતે સરકાર અને પોલીસને તેના પરિવારના બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યા કરનારા પુત્ર શૈલષને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *