અડાલજ ખાતે આવેલી માણેકબા સ્કૂલની હોસ્ટેલમાં રહીને ભણતી પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ દિવાલ કૂદીને ભાગી જતાં દોડધામ મચી હતી.
જોકે આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ કિશોરીઓને શોધી કાઢી હતી. રાત્રે એક વાગ્યે આઠ વિદ્યાર્થિનીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ત્રણ કિશોરીઓ દિવાલ કૂદી શકી ન હતી. ભાગવામાં સફળ થયેલી પાંચમાંથી બે વિદ્યાર્થિનીઓ ધોરણ-7 અને ત્રણ વિદ્યાર્થિનીઓ ધોરણ-8માં અભ્યાસ કરે છે. પ્રાથમિક રીતે ભણતરનો ભાર અને ઘરની યાદ આવતા કિશોરીઓ ભાગી હતી.અડાલજ બાલાપીર સર્કલથી એસજી હાઈવે તરફ જતાં રોડ ઉપર માણેક બા સ્કૂલ આવેલી છે. સ્કૂલ કેમ્પસમાં જ પરીક્ષિત લાલ હોસ્ટેલમાં 80 જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે. જેમાંથી ધોરણ-7 અને ધોરણ-8ની આઠ જેટલી વિદ્યાર્થિનીઓએ ગઈકાલે રાત્રે ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. રાત્રે બધા સુઈ ગયા બાદ રાત્રે 1 વાગ્યે આઠેય વિદ્યાર્થિનીઓ હોસ્ટેલની બહાર નીકળી હતી, જેમાં એક પછી એક પાંચ કિશોરી ઊંચી દિવાલ કૂદીને બહાર જતી રહી હતી. જોકે ત્રણ કિશોરી દિવાલ કૂદી ન શકતા ગભરાઈ ગઈ હતી. જેને પગલે હોસ્ટેલમાં પાછા જઈને ત્રણેય કિશોરીએ ગૃહમાતાને જાણ કરી દીધી હતી. ઘટનાને પગલે આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા અડાલજ પોલીસ સ્ટેશન, એલસીબી અને એસઓજીની ટીમો કિશોરીઓની શોધખોળમાં લાગી ગઈ હતી. પાંચેય કિશોરીનું ઘર બાવળા તરફ હોવાથી પોલીસે આ દિશામાં જ તપાસ શરૂ કરી હતી. જેમાં સવાર સુધીમાં પોલીસે પાંચેય કિશોરીઓને શોધી કાઢી હતી. મોડી રાત્રે ભાગેલી પાંચેય કિશોરીઓ ચાલતા-ચાલતા કેનાલ તરફ પહોંચી હતી. જ્યાંથી રીક્ષામાં બેસીને ઈસ્કોન સર્કલ પહોંચી હતી. પાંચ પૈકી એક કિશોરી ઈસ્કોનથી વાહન પકડીને બાવળા ખાતેના ઘરે પણ પહોંચી ગઈ હતી. પોલીસે પાંચેય વિદ્યાર્થિનીઓના નિવેદન નોંધીને ભાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયત્ન શરૂ કર્યો હતો.
