સરળ શબ્દોમાં કહીએ તો છોડના મૂળમા રહેલી ઉપયોગી ફૂગને માઇકોરાઇઝા કહેવામાં આવે છે. આ ફૂગ અને છોડ વચ્ચેનો સંબંધ પરસ્પર લાભદાયી હોય છે. છોડ માઇકોરાઇઝાને રહેવા માટે જગ્યા અને શર્કરા જેવા કાર્બનિક પદાર્થો આપે છે, જ્યારે માઇકોરાઇઝા જમીનમાં રહેલા પોષક તત્વો ખાસ કરીને ફોસ્ફરસ, નાઈટ્રોજન અને ઝીંકનું વધુ પ્રમાણમાં શોષણ કરીને છોડને ઉપલબ્ધ કરાવે છે. સાથે સાથે તે પાણીના શોષણમાં પણ વધારો કરે છે, જે ભેજની અછત દરમિયાન પાકને બચાવવામાં મદદરૂપ બને છે.
માઇકોરાઇઝાના બે મુખ્ય પ્રકાર છે
એક્ટોમાઇકોરાઇઝા મૂળની બહાર જાળાની રચના કરે છે અને મુખ્યત્વે બહુવર્ષાયુ વૃક્ષોમાં જોવા મળે છે. જ્યારે એન્ડોમાઇકોરાઇઝા મૂળનાં કોષોની અંદર પ્રવેશ કરે છે અને ઘઉં, મકાઈ, કપાસ, શાકભાજી જેવા મોટા ભાગનાં પાકોમાં જોવા મળે છે. આપણાં ગુજરાતનાં ખેતી પાકોમાં એન્ડોમાઇકોરાઇઝાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે, કારણ કે તે જમીનમાં રહેલાં ફોસ્ફરસને લભ્ય સ્વરૂપે ફેરવી છોડ સુધી પહોંચાડે છે. ખેતીમાં માઇકોરાઇઝાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જમીનની રચનામાં સુધારો થાય છે અને કાર્બનિક પદાર્થોના વિઘટનથી ફળદ્રુપતા વધે છે. જમીનમાં હવા અને પાણીનું પરિભ્રમણ સુધરે છે, જેના કારણે મૂળનો વિકાસ વધુ સારો થાય છે.
જુવાર અને મકાઈ જેવાં પાકોમાં પણ તે સકારાત્મક પરિણામ આપે છે
માઇકોરાઇઝા છોડને મૂળના રોગો સામે પ્રતિકાર શક્તિ આપે છે અને દુષ્કાળ, ગરમી તથા જમીનમાં રહેલાં હાનિકારક ધાતુઓથી પણ રક્ષણ આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે તેના ઉપયોગથી રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટે છે, જેના કારણે ખેતી ખર્ચ ઓછો થાય છે અને પર્યાવરણને નુકસાન પણ થતું નથી. માઇકોરાઇઝાનો ઉપયોગ બીજ માવજત તરીકે, રોપાઓની ફેર રોપણી સમયે મૂળને દ્રાવણમાં ડૂબાડીને, દેશી ખાતર અથવા ખોળ સાથે ભેળવીને જમીનમાં આપી શકાય છે. પિયત સાથે પાઉડર સ્વરૂપે આપવાનો પણ વિકલ્પ છે. બાગાયતી અને લાંબા ગાળાના પાકો જેમ કે આંબો, ચીકુ, જામફળ, કેળા અને શેરડીમાં તેનો લાભ સારો જોવા મળે છે. સાથે સાથે ઘઉં, ડુંગળી, લસણ, કપાસ, બાજરો, જુવાર અને મકાઈ જેવાં પાકોમાં પણ તે સકારાત્મક પરિણામ આપે છે.
વધુ ઉત્પાદન મેળવવામાં ખેડૂતમિત્રોને મદદરૂપ બની શકે છે
મકાઈનો પાક માઇકોરાઇઝા માટે અનુકૂળ માનવામાં આવે છે. પરંપરાગત ખેતી પદ્ધતિમાં અન્ય પાક સાથે મકાઈની છાંટ નાખવાની રીત હતી, જેના કારણે જમીનમાં માઇકોરાઇઝાની સંખ્યા જળવાઈ રહેતી. આજે ફરીથી બહુ-પાક પદ્ધતિ અને પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો માઇકોરાઇઝાનો વિકાસ સ્વાભાવિક રીતે વધે છે અને જમીનની તંદુરસ્તી લાંબા ગાળે સુધરે છે. આ રીતે માઇકોરાઇઝા ખેતી માટે એક ટકાઉ અને પર્યાવરણમિત્ર ઉપાય છે, જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવામાં ખેડૂતમિત્રોને મદદરૂપ બની શકે છે.
માહિતી સંકલન :- રાજેશ કુમાર ભીંડી
આ પણ વાંચો : Arvalli News : અરવલ્લીના મેઘરજમાં ઘઉં અને તુવેરના પાક વચ્ચેથી ગાંજાનું વાવેતર ઝડપાયું
