Agriculture News: જમીન વધુ ફળદ્રુપ ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન એટલે પ્રાકૃતિક કૃષિ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

પ્રાકૃતિક ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનો પ્રકાશસ્તંભ બની છે. આ ખેતી પદ્ધતિએ માત્ર જમીનની ફળદ્રુપતા જ જાળવી નથી રાખી, પરંતુ ખેડૂતોના આત્મવિશ્વાસમાં પણ નવો ઉલ્લાસ ભર્યો છે. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરતાં અહિના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. આ સાથે જ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સ્તરે નેશનલ મિશન ઑન નેચરલ ફાર્મિંગ (NMNF) હેઠળ અનેક યોજનાઓ અમલમાં છે.

ખેતરમાં મિશ્ર પાક ખેતીની શરૂઆત કરી

જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વધુ વ્યાપ વધે તે માટે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી તાલીનું પણ આયોજન થઇ રહ્યું છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ડાંગના પુર્વપટ્ટી વિસ્તારના બિબુપાડા ગામના પ્રગતિશિલ ખેડૂત ગમનભાઇ ઠાકરેએ પરંપરાગત ખેતી સાથે પોતાના ખેતરમાં મિશ્ર પાક ખેતીની શરૂઆત કરી છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજીને અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતીનું પ્રોત્સાહન આપતાં ગમનભાઇ ઠાકરે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો

પ્રાકૃતિક ખેત પધ્ધતિ વિશે ગમનભાઇ ઠાકરેએ જણાવ્યું હતું કે, અગાઉ તેઓ રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરતા જેના કારણે તેઓના જમીનની તંદુરસ્તી ઘટતી જોવા મળી હતી. જેથી તેઓએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો. પોતાના ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વર્મીકમ્પોસ્ટ તથા દેશી ગાય આધારિત દ્રાવણોનો ઉપયોગ શરૂ કર્યો જેના પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, જમીન નરમ અને પોચી બની, સૂક્ષ્મ જીવાણુઓમાં વધારો થયો અને અળસીયાની સંખ્યા વધતા જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો છે.

સહજીવી વૈકલ્પિક પાકોની પસંદગી

ઝીરો બજેટ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિમાં સહજીવી વૈકલ્પિક પાકોની પસંદગી મહત્વનું પરિબળ હોય છે. મુખ્ય પાક એક દળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે તેનું મૂળ ઊંડે ન જાય. સહજીવી પાક મુખ્ય પાક કરતા અડધા અથવા ત્રિજા ભાગના સમયમાં તૈયાર થતો હોવો જોઈએ, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જવો જોઈએ. સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય તો વૈકલ્પિક પાક તેઓ લેવો જોઈએ, જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય.

આ પણ વાંચોઃ World News : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *