પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ પર આધાર રાખતી ખેતી. આ ખેતીમાં બહારથી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા લાવવાની રહેતી નથી. દેશી ગાય આધારિત આ ખેતીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ, ચણાનો લોટ તેમજ ખાટી છાશ સહિતની ઘરગથ્થુ વસ્તુના ઉપયોગથી ખાતર અને જંતુનાશકના વિવિધ અસ્ત્રો બનાવી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરી શકાય છે, આ ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થતો ન હોવાથી શાકભાજી તેમજ અનાજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
એક પહેલ અનેક ખેડૂતોનું જીવન બદલી રહી છે
આવી તાજી તાજી અને પૌષ્ટિક શાકભાજી અને અનાજ લોકોને સરળતાથી મળી રહે અને ખેડૂતોને પણ પોતાની મહેનતના રૂપમાં યોગ્ય વળતર મળે તે માટે વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં શરૂ કરેલી એક પહેલ અનેક ખેડૂતોનું જીવન બદલી રહી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પહેલા પોતાની ખેત પેદાશ રસ્તા પર બેસીને અથવા તો શાક માર્કેટમાં જઈને વેચતા હતા પરંતુ તેઓને પ્રાકૃતિક ખેતી પેદાશ તરીકેનો જે ભાવ મળવો જોઈએ તે મળતો ન હતો.
હેલ્ધી ખેત પેદાશનું વેચાણ અલગ રીતે થાય
જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હેલ્ધી ખેત પેદાશનું વેચાણ અલગ રીતે થાય તે માટે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કલસ્ટર અને તાલુકા કક્ષાએ ખેત પેદાશના વેચાણ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેનો વિચાર અમલમાં મુકયો હતો. જેને આત્મા પ્રોજેક્ટે અમલમાં મુકી પારડી તાલુકાના કોટલાવ ગામમાં આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રની બિલ્ડિંગમાં જ ખેતપેદાશના વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી આપી હતી.
આ પણ વાંચોઃ Agriculture News: રાજ્યમાં ચણા રાઈની ટેકાના ભાવે ખરીદી શરુ કરી
