અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.હાલમાં મનપા દર મહિને અંદાજે 3.5 કરોડ રૂપિયાનો વીજ ખર્ચ કરે છે. આ ખર્ચ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવા માટે શહેરમાં સોલાર પેનલ લગાવવાનું આયોજન બનાવાયું છે. લાંભા અને કાંકરિયા ખાતે ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર પણ ફ્લોટિંગ સોલાર મૂકવા આયોજન તૈયાર થયું છે. સરકારની એજન્સીને કન્સલ્ટન્ટ તરીકે મંજૂરી અપાઈ છે. AMCનું લક્ષ્ય આવનારા સમયમાં પોતાની જરૂરિયાતની 100 ટકા ઉર્જા સ્વયં ઉત્પન્ન કરવાનું છે.આ યોજના અમલમાં આવશે તો મનપા ફ્લોટિંગ સોલારથી વીજળી ઉત્પન્ન કરતી દેશની પહેલી મનપા બનશે.
4 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું
બીજી તરફ કાંકરિયા લેક ખાતે આધુનિક વોટર શો શરૂ કરવામાં આવ્યો છે.આ શો અમદાવાદના ઐતિહાસિક વારસાને જીવંત રૂપમાં રજૂ કરશે અને શહેરવાસીઓ સાથે પર્યટકો માટે નવી મનોરંજન સુવિધા બની રહેશે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 4 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વોટર શો સાથે નવી આધુનિક રાઇડ્સ પણ ટૂંક સમયમાં શરૂ કરવાનું આયોજન છે. બાલવાટિકા પછી હવે કાંકરિયા પર્યટકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે. કેન્ડી મ્યુઝિયમ બનાવવાની પણ ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ જરૂરી કામોને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે આવનારા સમયમાં કાંકરિયા તળાવ પર પર્યટકોની સંખ્યા વધવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ Sunetra Pawar બન્યા NCPના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યકારી બેઠકમાં લેવાયો નિર્ણય
