કચ્છના અંજાર તાલુકામાંથી માનવતાને શર્મસાર કરનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સાવકા પિતાએ માત્ર બે વર્ષના માસૂમ પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું હીન કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ અને પ્રાથમિક વિગતો અનુસાર આરોપીએ બે વર્ષ અગાઉ આ મહિલા સાથે લગ્ન કર્યા હતા, અને મહિલા પોતાના અગાઉના બે સંતાનોને સાથે લઈને આવી હતી.
સાવકા પિતાએ પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
આ કૃત્ય પાછળનું કારણ ચોંકાવનારું છે. થોડા સમય અગાઉ મહિલા ગર્ભવતી થઈ હતી, પરંતુ પતિ (સાવકા પિતા)ની મરજી વિરુદ્ધ તેણે ગર્ભપાત કરાવી નાખ્યો હતો. સાવકા પિતાએ આ બાબતનું મનદુઃખ અને વેર રાખીને પોતાના હવસને સંતોષવા માટે માસૂમ પુત્રને નિશાન બનાવ્યો હતો. તેણે બાળકને ફરવા લઈ જવાના બહાને આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
બાળક હોસ્પિટલમાં, આરોપી જેલના સળિયા પાછળ
માતા દ્વારા બાળકના શરીર પર ઇજાઓ જોતા અને શંકાના આધારે તાત્કાલિક અંજાર પોલીસ સ્ટેશનમાં સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, બાળકને સૌપ્રથમ અંજારની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. તબીબોએ કરેલા પરીક્ષણમાં બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. અંજાર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સાવકા પિતાની ધરપકડ (અટકાયત) કરી છે. હાલ માસૂમ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આ નરાધમ પિતા સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કલંકરૂપ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને સનસનાટી ફેલાવી દીધી છે.
