બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેગંજ ગામેથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. ખેતરમાં પાકના રક્ષણ માટે લગાવવામાં આવેલા ઝટકા મશીનના કરંટની ઝપેટમાં આવી જતાં બે સગા ભાઈઓના કરૂણ મોત નીપજ્યા છે. એક ભાઈને કરંટ લાગતા તેને બચાવવા ગયેલા બીજા ભાઈનું પણ મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બચાવવા જતા કાળ આંબી ગયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લા ડીસા તાલુકાના તાલેગંજ ગામના ખેતરમાં પશુઓથી પાકને બચાવવા માટે ઝટકા મશીન લગાવવામાં આવ્યું હતું. અચાનક એક ભાઈ આ મશીનના વાયરના સંપર્કમાં આવી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. પોતાના ભાઈને તડપતો જોઈને બીજો સગો ભાઈ તેને છોડાવવા માટે દોડી ગયો હતો. જોકે, કરંટ એટલો જોરદાર હતો કે તેને બચાવવા જતાં બીજા ભાઈને પણ વીજ કરંટનો જોરદાર ઝટકો લાગ્યો હતો અને બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.
રબારી સમાજ અને ગામમાં શોકનું મોજું
આ દુર્ઘટનામાં રબારી સમાજના બે આશાસ્પદ યુવાન સગા ભાઈઓના મોત થતા પરિવારે રત્ન જેવા બે દીકરાઓ ગુમાવ્યા છે. એક સાથે બે જુવાનજોધ દીકરાઓના મોતના સમાચાર મળતા જ તાલેગંજ ગામમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ગામમાં આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. એક સાથે બે સગા ભાઈની અર્થી ઉઠતા ગામ હિબકે ચડ્યું હતું.
ખેતરોમાં વીજ કરંટના જોખમ સામે સવાલો
બનાસકાંઠામાં વારંવાર ખેતરોમાં ગેરકાયદેસર વીજ જોડાણ કે ઝટકા મશીનના અયોગ્ય વપરાશને કારણે જાનહાનિ થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. આ ઘટનાએ ફરી એકવાર ખેતરોમાં સુરક્ષાના સાધનોના જોખમ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં બંને મૃતકોના દેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
