Desar: પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીને પતિ સહિત બે પુત્રએ મોતને ઘાટ ઉતાર્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ડેસર તાલુકાના પ્રતાપપુરા ખાખરીયા ફળિયામાં રહેતા મહેશ ઉર્ફે પોપટ જશવંતસિંહ પરમાર ઉ. વર્ષ 35, તેની પત્ની વર્ષાબેન અને બે નાની દીકરી રીન્કુ અને શીતલ સાથે ડમ્પર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેના જ ખાખરીયા ફળિયામાં રહેતા ગણપત ઉર્ફે ગણો મગન પરમારની પત્ની સંગીતા સાથે મહેશને પ્રેમ સંબંધ બંધાયો હતો.

બેસતા વર્ષની મધ્યરાત્રી દરમિયાન પ્રેમી મહેશ ઉર્ફે પોપટ સંગીતાને મળવા માટે આવ્યો હતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે, આજે તેની સંગીતા સાથેની છેલ્લી મુલાકાત છે.મધરાતે ખાખરીયા ફળિયામાં રહેતા રમેશભાઈ જેણાભાઈ ચૌહાણના ઘરના દરવાજા સામે રસ્તા પરકાળ બનીને ત્રાટકેલા ગણપત પરમાર અને તેના બે દીકરા મહેશ ઉર્ફે પોપટ પરમાર પર તૂટી પડયા હતા.

ઉપરા છાપરી માથામાં દંડાના ફ્ટકા મારી લોહી લુહાણ કરી ભોય ભેગો કરી દીધો હતો. ત્યારબાદ જાણે કંઈ થયું જ નથી. તેમ ઘરે જતા રહ્યા હતા. બીજી તરફ્ ગણપત પરમારની પત્ની સંગીતા પણ પતિનો મિજાજ પારખી જતા હવે તેને પણ જીવતી નહીં મૂકે તેવા ડરના કારણે રાત્રિના અંધારામાં ઘર છોડી ભાગી છુટ્ટી હતી. પ્રતાપપુરાના ગ્રામજને નજીકના રાજપુર ગામમાં રહેતા મહેશ પરમારના ફોઇ અને ફુવા કરણસિંહ ચૌહાણને ફોન કરીને જાણ કરતા ફોઇ સુમિત્રાબેન અને તેનો દીકરો બાઈક લઈને પ્રતાપપુરાના ખાખરીયા ફળિયામાં વહેલી સવારે ચાર વાગ્યે આવી પહોંચ્યા હતા. તેઓનો ભત્રીજો મહેશ પરમાર રસ્તા પર લોહી લુહાણ હાલતમાં પડયો હતો.

માથા અને મોઢામાંથી લોહી વહેતું હતું. તાત્કાલિક 108નો સંપર્ક કરી ડેસર સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે મહેશને મૃત જાહેર કર્યો હતો. ડેસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ફરજ ઉપરના પી.આઈ વી એન ચૌધરીએ સુમિત્રાબેન ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી મહેશના મૃતદેહને પીએમ માટે ખસેડી ગણતરીના કલાકોમાં ત્રણે હત્યારા પિતા-પુત્રોને ઝડપી પાડયાં હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *