ધાનેરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે એક ટ્રેક્ટર પલટી ખાઈ જવાની ઘટના બનતા અફ્રાતફ્રી મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચતા મોટી જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી અનુસાર, ધાનેરા રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલું એક ટ્રેક્ટર અચાનક ચાલકે સંતુલન ગુમાવતા રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. ટ્રેક્ટર પલટી મારતા જોરદાર અવાજ આવતા આસપાસના રહીશો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમયસૂચકતા વાપરી ચાલકને બહાર કાઢયો હતો.
પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત પાછળ ટ્રેક્ટરની ગતિ વધારે હોવી અથવા રોડની બિસ્માર હાલત તથા ઓવરલોડ જવાબદાર હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ અકસ્માતમાં ટ્રેક્ટરને નુકસાન પહોંચ્યું છે, પરંતુ ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને પગલે થોડીવાર માટે ટ્રાફ્કિ પણ પ્રભાવિત થયો હતો.
