- અગાઉ તા.13મીએ 6, 4 ફૂટના ચંદનના થડ ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી
- અગાઉ પણ અનામત ચંદનનાં ઝાડ કાપી નાખી વેચી મારવાનું કૌભાંડ પણ બહાર આવ્યું હતું
- નોર્મલ વન વિભાગ દ્વારા ઢીલી નીતિને લઈ અનામત ચંદનના ઝાડનું નિકંદન નીકળી રહ્યું છે,
ધનસુરાના આકરૂન્દ ગામના પેટાપરા બાવાનામઠ વિસ્તારમાં કુદરતી અસંખ્ય ચંદનના ઝાડ ઉછરેલ છે.અનામત ચંદનના ઝાડનું નીકંદન કાઢી નાંખવાનું મસમોટું કૌભાંડ ઉજાગર થયું હતું.
જેને લઈ નોર્મલ વન વિભાગ દ્વારા અનામત ચંદનના ઝાડના થડ અને જીપડાલું સહિતનો મુદમાલ કબજે લઈ કાર્યવાહીમાં ઢીલી નીતિને લઈ હવે ચંદન ચોર રાત્રીના સમયે અનામત ચંદનના ઝાડ કાપી નાખી થડની તસ્કરી કરતાં સ્થાનિક ખેડૂતે ધનસુરા પોલીસ મથકમાં તા.13 જૂનના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ ચાલુ હોવા છતાં તા.19 જૂનના રોજ ફરીથી તસ્કરોએ આજ વિસ્તારમાંથી ચંદનના ઝાડને કાપી નાખી થડ લઈ જતાં સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ ચંદનના ઝાડ કાપવા માટે 12 શખ્સોની ગેંગ લઈને આવેલ અજય ડામોર કોણ ? પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ થાય તો મસમોટુ રેકેટ બહાર આવવાની વકી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એલ.સી.બી.મારફતે તપાસ થાય તેમ આકરૂન્દના વૃક્ષ પ્રેમીઓની માંગ ઉઠી છે. આકરૂન્દના બાવામઠમાં રહેતા ખેડૂત મયુરકુમાર ગોસ્વામી અને કનુભાઈ ગોસ્વામીની ખેતી જમીન આવેલી છે. આ ખેતરના શેઢા નજીકથી ભરેડી નામનું વાંઘુ વહે છે.ખેતરના શેઠા ઉપર અને વાંઘાના કિનારે અસંખ્ય ચંદનના ઝાડ ઉછેરેલા છે.મંગળવારના રોજ રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ અનામત ચંદનના ઝાડ કાપી નાખી થડ ઉઠાવી જતાં ધનસુરા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ તો કરી દીધો છે. તેમ છતાં તા.19ના રોજ આજ વિસ્તારમાં વસંતભાઈ ગોસ્વામીના ખેતર માંથી તસ્કરો ચંદનના ઝાડને કાપી નાંખી થડ ઉઠાવી ગયા હતા. આ અંગે ધનસુરા પોલીસને જાણ કરતાં ધનસુરા પોલીસે વડાગામ આઉટ પોસ્ટમાં જાણ કરવા જણાવેલ હતું. સરકાર દ્વારા વૃક્ષારોપણ માટે મસ મોટી જાહેરાતો કરી વૃક્ષારોપણ માટે લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.આકરૂન્દ પંથક માંથી અનામત ચંદનના ઝાડનું સરેઆમ નિકંદન નીકળી રહ્યું હોવા છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં હોઈ આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ થાય તો અનામત ચંદનના ઝાડના નીકંદનનું મસમોટું કોભાંડ બહાર આવવાની વકી છે.
અનામત ચંદનનાં ઝાડ કાપવા ગેંગ લઈને આવેલ અજય ડામોર કોણ ?
આકરૂન્દ પંથક માંથી અનામત ચંદનના ઝાડ ગેરકાયદેસર કાપી નાખવા માટે અજય ડામોર 12 જેટલા શખ્સોને લઈને આવ્યો હતો.જાગૃત ખેડૂતે પોલીસ બોલાવતાં સમગ્ર મામલો પોલીસ મથક થઈ નોર્મલ વનવિભાગ સુધી પહોંચી શાંત પડી ગયો હતો.ત્યારબાદ આ પંથકમાં હવે રાત્રીના સમયે અનામત ચંદનના ઝાડનું નિકંદન કાઢી તસ્કરી થતાં અનેક સવાલો ઉઠયા છે.પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અજય ડામોરની ઝીણવટભરી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
