Dholka: પરિવાર પર હુમલો થતા તંગદિલી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ધોળકાના સોનારકુઈ બ્રાહ્મણવાસ વિસ્તારમાં કોર્ટ મેરેજની અદાવતને લઇ એક પરિવાર પર હુમલો કરાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ એકસંપ થઇ ઘરમાં ઘૂસી પથ્થર અને ઈંટો વડે હુમલો કરી તોડફેડ કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

સોનારકુઈ વિસ્તારમાં રહેતા ગૌરીશંકર કાળીદાસ શ્રીમાળીનો નાનો દીકરો ચિરાગ પડોશમાં રહેતા વ્યક્તિની ભાણી મનિષાબેન સાથે કોર્ટ મેરેજ કરીને ઘરેથી જતો રહ્યો હતો. આ બાબતે મનદુઃખ રાખી મનિષાબેનના સગા સંબંધીઓએ ગૌરીશંકરના પરિવારને અવારનવાર દબાણ કરતું હોવાનું જાણવા મળે છે. ગત તા. 29મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે ગૌરીશંકર પરિવાર સાથે ઘરે પરત ર્ફ્યા ત્યારે મનિષાબેનના મામા મુકેશભાઈ ચાવડા સહિત અનેક લોકો એકસંપ થઈ તેમના ઘરે પહોંચ્યા હતા. દીકરા ચિરાગ વિશે પૂછપરછ બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ અપશબ્દો બોલી રોડ પર પડેલા પથ્થરો અને ઈંટો ફેંકી હુમલો શરૂ કર્યો હતો. આ હુમલામાં ગૌરીશંકરના મોટા દીકરા વિશાલની પત્ની નેહાબેનને બરડાના ભાગે ઇંટ વાગતાં ઇજા થઈ હતી. જ્યારે બીજા દીકરા ધાર્મિકની પત્ની શીતલબેનને ડાબા પગના ઘૂંટણના ભાગે ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને સી.એચ.સી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓએ ઘરની બારીના કાચ, બાથરૂમની પાણીની પાઈપ, દરવાજાની જાળી, એસીનું આઉટડોર, સી.સી.ટી.વી. કેમેરા તેમજ ઇલેક્ટ્રિક સ્કુટીમાં ભારે તોડફેડ કરી આશરે રૂ.50 હજારથી વધુનું નુકસાન પહોંચાડયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓમાંથી એકે વાંસની લાકડી લઈને દરવાજા પર મારકૂટ કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવતા વધુ હિંસા ટળી હતી. બાદમાં ગૌરીશંકર કાળીદાસ દ્વારા ધોળકા પોલીસ મથકે તમામ આરોપીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધી પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *