જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રોડ રસ્તાની હાલત કફોડી બની છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાની હાલત બિસ્માર હોવાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે. તેમજ ખાડા વાળા રોડના કારણે અનેક વખત અહીં અકસ્માત પણ સર્જાયા છે.
ધ્રોલ તાલુકામાં રોડ રસ્તાની હાલત કફોડી
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં જે મુખ્ય માર્ગ ગણાતો ત્રિકોણબાગથી લઈને ચામુંડા પ્લોટ સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ આ રોડ જોડિયા, મોરબી અને કચ્છ જવાનો મુખ્ય માર્ગ હોવાથી દિવસ દરમિયાન અનેક વાહનચાલકો અહીંથી પસાર થાય છે. રોડની હાલત એટલી હદે ખરાબ છે કે રોડમાં સળિયા દેખાઈ ગયા છતાં નગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. એક નજરે એ પણ દેખાઈ રહ્યું છે કે રોડમાં ખાડા પડ્યા છે કે ખાડામાં રોડ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
રોડ બિસ્માર હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી
ધ્રોલનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી આજુબાજુના ગ્રામજનો સહિત અનેક લોકો ખરીદી કરવા આવે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ રોડની સમસ્યાથી ત્રાસી ગયા છે. હદ તો ત્યારે થાય કે ઇમરજન્સીમાં જતી 108 ને પણ આ રોડ પર પસાર થવામાં ખાસો એવો સમય વેડફાઈ છે જેથી 108 સમય સર પહોંચી ન શકવાના કારણે કોક વાર કોઈ વ્યક્તિની જિંદગી પણ ટૂંકી થઈ જાય છે. બિસ્માર રોડ બાબતે સ્થાનિક વેપારીઓએ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી ન થતા સ્થાનકો અને વેપારીઓ રોષે ભરાયાં છે.
