ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં જમીન સંબંધી વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં ઘોઘાના વાવડી ગામના વાડી વિસ્તારમાં જમીન વિવાદને પગલે ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. આ મામલે ઘોઘા પોલીસ મથકમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
ઘોઘામાં જમીન વિવાદમાં ફરિયાદ
ફરિયાદી રમેશભાઈ ચુડાસમા દ્વારા નોંધાવવામાં આવેલી વિગતો મુજબ, તેમની માલિકીની સર્વે નંબર 222 પૈકી 2 વાળી જમીનમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું હતું. વિવાદિત જમીન (સર્વે નંબર 233 પૈકી 8) બાબતે અગાઉ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થયેલી હોવા છતાં, સામે પક્ષના શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આ કૃત્ય આચર્યું હતું.
કેળના વાવેતરમાં JCB ફેરવ્યાની ફરિયાદ
આરોપીઓએ ગેરકાયદેસર રીતે વાડીમાં પ્રવેશ કરી નીચે મુજબનું નુકસાન કર્યું હોવાનો આક્ષેપ છે. આશરે ત્રણ વીઘામાં વાવેતર કરેલી કેળના પાક પર JCB ફેરવી દેવામાં આવ્યું. કેળના પાક અને જમીનને થયેલ નુકસાનનો અંદાજ રૂપિયા એક લાખથી વધુ હોવાનું જણાવાયું છે. લાકડીઓ જેવા હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ ફરિયાદીને ડરાવી-ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસની કાર્યવાહી
ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર નુકસાનીના વીડિયો અને ફોટા પણ વાયરલ થયા છે, જે પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ઘોઘા પોલીસે આ મામલે પ્રહલાદસિંહ રઘુભા, શક્તિસિંહ ખુમાનસિંહ, પુંજુભા અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ડાકોરમાં બેદરકારીએ લીધો જીવ, ગોપાલપુરામાં દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત
