Gir Somnath : વેરાવળમાં મુરલીધર કોમ્પલેક્ષનો માલિક ગુમનામ, મંજૂરી વગર ચાલતા કોમ્પલેક્ષને લઇ તંત્ર સાવ અજાણ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આવેલા મુરલીધર કોમ્પલેક્ષમાં લાગેલી ભીષણ આગ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

ચાર માળનું મુરલીધર કોમ્પલેક્ષ તદ્દન ગેરકાયદેસર

મળતી માહિતી પ્રમાણે ચાર માળનું મુરલીધર કોમ્પલેક્ષ તદ્દન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. મંજૂરી વગર ઊભું કરાયેલ આ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર NOC પણ નહોતું, છતાં લાંબા સમયથી ધંધાકીય પ્રવૃત્તિઓ ચાલુ હતી.

40 દુકાનો તેમજ 5 જેટલા મોપેડ સળગી ગયા હતા

ગત તા. 5 ફેબ્રુઆરીના રોજ કોમ્પલેક્ષમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં અંદાજે 40 દુકાનો તેમજ 5 જેટલા મોપેડ સળગી ખાક થયા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટનાએ પાલિકા તંત્રની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે.

મંજૂરી વગર ચાર માળ, તંત્ર અજાણ?

મુરલીધર કોમ્પલેક્ષ બાંધકામ પરવાનગી વિના તેમજ ફાયર NOC વગર ઉભું કરાયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, ચાર માળનું આ બિલ્ડિંગ વર્ષોથી કાર્યરત હોવા છતાં તંત્રને જાણ ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે અનેક સવાલો ઉભા કરે છે.

નોટિસ ચોંટાડી તંત્ર સંતોષમાં?

આગની ઘટનાના અનુસંધાને પાલિકાએ કોમ્પલેક્ષ પર નોટિસ ચોંટાડી છે. જોકે, હજુ સુધી કોમ્પલેક્ષના માલિક તંત્ર સમક્ષ હાજર થયા નથી. નવાઈની વાત એ છે કે પાલિકા તંત્રને કોમ્પલેક્ષના માલિક મળતા નથી, જેનાથી ભ્રષ્ટાચારની શંકા વધુ ગાઢ બની રહી છે.

કોમ્પલેક્ષ ગેરકાયદેસર

ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ સમગ્ર મામલે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કોમ્પલેક્ષ ગેરકાયદેસર છે અને નિયમિત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

કલેક્ટરનો રિપોર્ટ બાકી

ઘટના બાદ જિલ્લા કલેક્ટર દ્વારા વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. પરંતુ 12 દિવસ વીતી જવા છતાં ગેરરીતિ અંગેનો અહેવાલ કલેક્ટરને મોકલવામાં આવ્યો નથી. આ વિલંબ પણ તંત્રની કાર્યશૈલી પર સવાલો ઉભા કરે છે.

મોટી દુર્ઘટનાની રાહ?

સ્થાનિકોમાં ચર્ચા છે કે પાલિકા તંત્ર મોટી માનવ હાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? સમયસર કાર્યવાહી અને કડક પગલાં ન લેવાય તો આવી ગેરકાયદેસર ઇમારતો ભવિષ્યમાં ગંભીર દુર્ઘટનાઓને આમંત્રણ આપી શકે છે.

કડક કાર્યવાહી કરવાની માંગ

હાલ સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી રહી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે..

આ પણ વાંચો—–     Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *