Godhra News: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પ્રોફેસરોએ 11,000 ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત મોકલી દીધી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મધ્ય ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એવી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી સેમિસ્ટર-૫ ની પરીક્ષાની અંદાજે 11,000 જેટલી ઉત્તરવહીઓ પ્રોફેસરોએ તપાસ્યા વગર જ પરત મોકલી દેતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય રીતે આ યુનિવર્સિટીમાં BA, B.Com, B.Sc, BBA અને LLB જેવી પરીક્ષાઓના પરિણામ 15થી 20 દિવસમાં જાહેર કરી દેવામાં આવતા હતા.

સેમિસ્ટર-5ની પરીક્ષાની ઉત્તરવહીઓ ન તપાસી

જોકે, આ વર્ષે પરીક્ષા પૂર્ણ થયે 45 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરિણામનો કોઈ પત્તો નથી. આ વિલંબ પાછળ પ્રોફેસરોનું નકારાત્મક વલણ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) હરિભાઈ કાતરીયાએ સ્વીકાર્યું છે કે મોટી સંખ્યામાં ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, પ્રોફેસરો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ઉત્તરવહીઓ તપાસવા તૈયાર નથી.

આ વર્ષે 45 દિવસ થવા છતા પરિણામ ન આવ્યું

પ્રોફેસરોની આ આંતરિક લડાઈમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે. આ ગંભીર બેદરકારીને પગલે યુનિવર્સિટી વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ઉત્તરવહીઓ પરત કરનાર તમામ પ્રોફેસરો પાસે સત્તાવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. જો પ્રોફેસરો વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં કરે, તો વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી આ મડાગાંઠ ક્યારે ઉકેલે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *