ગાંધીનગરના ઈન્દિરાનગર (સેક્ટર-24)માં રહેતા ભાવેશકુમાર કાન્તીભાઈ સોલંકીએ ગુડા (ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ) પર ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે મુખ્યમંત્રીથી લઈને શહેરી વિકાસ વિભાગ સુધી રજુઆત કરી છે. તેમની ફરિયાદ મુજબ અનુસૂચિત જાતિના વેઇટિંગ લિસ્ટ મુજબ તેમને મળવાનું રહેલું EWS–2 પ્રકારનું પ્રધાનમંત્રી આવાસ (સરગાસણ ટી.પી.-07, એફ.પી.-186, હાઉસ નં.–C/712) ગુડાએ ભૂલથી ઓબીસી કેટેગરીના વ્યક્તિને ફાળવી દીધું છે અને તે વ્યક્તિ ગયા બે વર્ષથી ત્યાં વસવાટ કરી રહ્યા છે. વેઇટિંગ લિસ્ટમાં ક્રમાંક 33 તમામ કચેરી પ્રક્રિયા પૂર્ણ
અરજદાર સોલંકીના જણાવ્યા મુજબ, વર્ષ 2021માં તેમના પિતાના નામે ઈડબ્લ્યુએસ–2 યોજના માટે અરજી કરવામાં આવી હતી. 2022માં થયેલા ઓનલાઈન ડ્રોમાં તેઓ વેઇટિંગ લિસ્ટમાં ક્રમાંક 33 પર આવ્યા હતા. ગુડાએ માર્ચ-2025માં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવ્યા બાદ તેમને C-712 આવાસ ફાળવાતું હોવાની સત્તાવાર ચીઠ્ઠી પાઠવી હતી. ત્યારબાદ મે-2025માં તેમને પેમેન્ટ શિડ્યુલ આપવામાં આવ્યું અને અરજદાર દ્વારા જુલાઈ અને ઑગસ્ટ-2025માં કુલ ₹1,12,500ની રકમ બે હપ્તામાં જમા કરવામાં આવી હતી. પછી સપ્ટેમ્બર-2025માં સત્તાવાર ફાળવણી પત્ર (અલોટમેન્ટ લેટર) પણ અપાયું હતું. બેંક લોનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એગ્રીમેન્ટ, NOC અને ડિમાન્ડ લેટર માટે 11 નવેમ્બરે ગુડામાં અરજી પણ જમા કરાઈ હતી. “જે મકાન અમને ફાળવ્યું છે તેમાં પહેલેથી જ પરિવાર રહે છે”
અરજદારનું કહેવું છે કે જ્યારે તેઓ ફાળવવામાં આવેલા આવાસની ફિઝિકલ ચકાસણી કરવા ગયા ત્યારે ત્યાં એક પરિવાર રહેતો જોવા મળ્યો. પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે તેઓને પણ ગુડાથી જ ફાળવણી મળી છે અને બેંક લોન પણ ચાલુ છે. સોલંકીના જણાવ્યા મુજબ, આવાસ પહેલાં “પાટકર કમળાબેન”ને SC કેટેગરી હેઠળ ફાળવવામાં આવ્યું હતું પરંતુ જાતિ સર્ટિફિકેટ ન હોવાથી 28 જૂન 2025ના રોજ ફાળવણી રદ કરી દેવામાં આવી. ત્યારબાદ તે જ SC કેટેગરીના મકાનને ભૂલથી ઓબીસી કેટેગરીના લાભાર્થી “રબારી કાનજીભાઈ”ને ફાળવી દેવામાં આવ્યું. “કચેરીની ભૂલ છે, એક અઠવાડિયામાં બીજું મકાન આપીશું” – ફરજ પરના અધિકારી
અરજદાર જ્યારે 13 નવેમ્બરે ગુડાની કચેરીએ રૂબરૂ રજૂઆત કરવા ગયા, ત્યારે ફરજ પરના અધિકારીએ આ બાબતને “કચેરીની ભૂલ” ગણાવી અને એક અઠવાડિયામાં બીજું મકાન ફાળવવાનું આશ્વાસન આપ્યું હોવાનું અરજદારનું કહેવું છે. “SC કેટેગરીના મકાનમાં OBC ને ફાળવણી શા માટે?”
અરજદાર સોલંકીનો મુખ્ય આક્ષેપ છે કે SC કેટેગરીમાં આવેલ મકાન રદ થાય તો SC વેઇટિંગ લિસ્ટમાંથી જ આગામી અરજદારને ફાળવણી થવી જોઇએ, છતાં ગુડાએ નિયમોને અવગણીને ઓબીસી કેટેગરીના વ્યક્તિને મકાન ફાળવી દીધું છે. સોલંકી કહે છે કે, “આ બેદરકારીને કારણે SC કેટેગરીના ઘણા લાભાર્થીઓને તેમના હકના મકાનથી વંચિત થવું પડે છે. અમારી સાથે જાહેર રીતે અન્યાય થયો છે.” મુખ્યમંત્રી, મંત્રી અને અગ્રસચિવને નકલ સાથે લેખિત ફરિયાદ
અરજદારે તેમની વિગતવાર ફરિયાદની નકલ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને અગ્રસચિવ સહિત અનેક અધિકારીઓને રવાના કરી છે અને યોગ્ય તપાસ સાથે તેમને મૂળ ફાળવાયેલ C-712 મકાન તાત્કાલિક ફાળવવાની વિનંતી કરી છે.
GUDA દ્વારા EWS–2 આવાસ ફાળવણીમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ:SC કેટેગરીનું પ્રધાનમંત્રી આવાસ OBCને ફાળવી દીધું, વેઇટિંગ લિસ્ટમાં 33મા ક્રમના ભાવેશ સોલંકીની CM સુધી રજૂઆત
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
