Happy Birthday Ahmedabad : ચામાચીડિયા, દેડકા અને બકરી… અરે! આ તો છે અમદાવાદની પોળોના નામો , જાણો ઇતિહાસ

📅 Published: February 25, 2026 | 📂 Category: Uncategorized

વર્ષ 1411માં સુલતાન અહમદશાહ દ્વારા સ્થાપિત અમદાવાદ શહેરનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. શહેરના જૂના નામો આશાપલ્લી, આશાવલ, કર્ણાવતી અને પછી અમદાવાદ રહ્યા. સમય અને શાસકો બદલાતા શહેરનું નામ બદલાતું ગયું, પરંતુ તેની ઓળખ – તેની પોળો છે , જે આજે પણ અડગ છે.

પોળ શબ્દનો અર્થ શું?

‘પોળ’ શબ્દ સંસ્કૃતના ‘પ્રતોલી’ શબ્દ પરથી આવ્યો છે. સોલંકી યુગમાં પોળોને ‘પાડા’ તરીકે ઓળખવામાં આવતી. પાટણમાં આજે પણ ‘જમનો પાડો’ અથવા ‘ઢીલી ખીચડીનો પાડો’ જેવા નામો જોવા મળે છે. અમદાવાદમાં પોળો માત્ર રહેઠાણ નહોતી, પરંતુ એક સામૂહિક જીવનશૈલી હતી. દરેક પોળમાં કૂવો, મંદિર, ચબૂતરો, દરવાજો, ઓટલો, ચોગાન અને પશુઓ માટે ચાટ જેવી સુવિધાઓ રાખવામાં આવતી.

મુહૂર્ત પોળ – શહેરની શરૂઆત

શહેરની સ્થાપના સમયે સૌથી પહેલા જે પોળમાં મુહૂર્ત કરાયું તે “મુહૂર્ત પોળ” તરીકે ઓળખાય છે. આ પોળ માણેકચોક વિસ્તારમાં આવેલી છે. શહેરની સૌથી મોટી પોળ “માંડવીની પોળ” છે. અહીં નવરાત્રિ દરમિયાન માતાજીની માંડવી મૂકાતી, તેથી તેનું નામ માંડવીની પોળ પડ્યું.

પોળોના અનોખા નામ કેવી રીતે પડ્યા?

ઘણી પોળોના નામકરણ પાછળ કોઈ ને કોઈ વ્યક્તિ, જાતિ-ઉપજાતિ, પરંપરાગત વ્યવસાય અથવા તો પશુ-પક્ષીઓ સાથે જોડાયેલી ઓળખ રહેલી છે. જેમ કે લાખા પટેલની પોળ, હાજા પટેલની પોળ, જાદા ભગતની પોળ, ધના સુથારની પોળ અને ગોઝારિયાની પોળ—આ બધાં નામો તે પોળોમાં વસતા પ્રખ્યાત વ્યક્તિઓ અથવા ત્યાં સ્થાયી થયેલા પરિવારોથી જોડાયેલા છે. કેટલીક પોળોના નામ તો સાંભળતાં જ આશ્ચર્ય થાય છે, જેમ કે ચામાચીડિયાની પોળ, દેડકાની પોળ અને બકરી પોળ. આવા અનોખા નામો ત્યાં રહેતા લોકોની ઓળખ, કોઈ ખાસ ઘટના અથવા લોકવાયકા પરથી પડ્યા હોવાનું માનવામાં આવે છે. મુઘલકાળના ઐતિહાસિક દસ્તાવેજોમાં પણ ઢીંકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ અને ભંડેરપુર પોળ જેવા નામોના ઉલ્લેખો જોવા મળે છે, જે અમદાવાદની પોળ સંસ્કૃતિના પ્રાચીન અને ગૌરવભર્યા ઇતિહાસની સાક્ષી આપે છે.

અમદાવાદના વિસ્તારોનાં નામ – પાછળનો ઇતિહાસ

અમદાવાદના વિસ્તારોનાં નામો પાછળ પણ રસપ્રદ અને ઐતિહાસિક કારણો જોડાયેલા છે. ઘણા વિસ્તારોનાં નામ ત્યાં રહેલી ધાર્મિક સ્થાનો, પ્રખ્યાત વ્યક્તિઓ, શાસકો, કુદરતી પરિસ્થિતિઓ અથવા ખાસ વ્યવસાય પરથી પડ્યા છે. જેમ કે માણેકચોકનું નામ માણેકનાથ બાવાથી જોડાયેલું માનવામાં આવે છે, ઢાલગરવાડમાં ઢાલ બનાવવાના વ્યવસાયને કારણે તે નામ પડ્યું, ડબગરવાડ ઢોલ-નગારા બનાવતા ડબગરો માટે જાણીતું બન્યું, જ્યારે શાહીબાગ મુઘલકાળના શાહી બગીચા અને મહેલને કારણે ઓળખાયો. આંબાવાડી વિસ્તારમાં ક્યારેક આંબાનાં ઝાડ અને તળાવ હોવાથી તે નામ પડ્યું, મણિનગર એક દાતાશ્રીના સ્મરણાર્થે વસાવવામાં આવ્યું, અને નારણપુરા નરનારાયણ મંદિર પરથી ઓળખાયું. આ રીતે અમદાવાદના દરેક વિસ્તારનું નામ તેના ઇતિહાસ, પરંપરા અને ઓળખ સાથે ગાઢ રીતે જોડાયેલું છે, જે શહેરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે.

અમદાવાદ – પોળોની અનોખી સંસ્કૃતિ

અમદાવાદની પોળો માત્ર ઈમારતોનો સમૂહ નથી, પરંતુ એક પરિવાર છે. અહીં લોકો સાથે રહીને તહેવારો ઉજવે, પ્રસંગો કરે અને એકબીજાની મદદ કરે – એ જ છે સાચી અમદાવાદી ઓળખ. અમદાવાદની ઓળખ તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને પોળોના અનોખા નામોથી બનેલી છે. આજે આધુનિક વિકાસ વચ્ચે પણ આ પોળો શહેરના ગૌરવ અને પરંપરાનું પ્રતિક છે

આ પણ વાંચો : Happy Birthday Ahmedabad : નાકે પહેલાં ઓળખાય એવો દરવાજો! રાયપુર દરવાજાની ખાસ વાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *