Happy birthday Ahmedabad : જ્યાં 600 વર્ષથી પ્રજ્વલિત છે લક્ષ્મીજીની જ્યોત, આ દરવાજાનો જાણો ઇતિહાસ

📅 Published: February 22, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા ત્રણ દરવાજા એ શહેરના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક દરવાજાઓમાંનું એક છે. આ દરવાજો ભદ્ર કિલ્લોના પૂર્વ ભાગે સ્થિત છે અને મહેલ મૈદાન-એ-શાહ તરફ પ્રવેશ કરાવે છે. ત્રણ વિશાળ કમાનો ધરાવતું આ માળખું માત્ર સ્થાપત્ય્યની દ્રષ્ટિએ નહીં, પરંતુ રાજકીય, સામાજિક અને ધાર્મિક મહત્વથી પણ અતિ સમૃદ્ધ રહ્યું છે.

17 ફૂટ પહોળી કમાનો

આ દરવાજાની મધ્ય કમાનો લગભગ 17 ફૂટ પહોળી છે, જ્યારે બાજુની કમાનો 13 ફૂટ પહોળાઈ ધરાવે છે. કમાનોની ઊંચાઈ આશરે 25 ફૂટ છે. કમાનો વચ્ચેની કોતરણી અને શણગાર તે સમયની કળાની ઉત્તમ ઝાંખી આપે છે. ભૂતકાળમાં અહીં છત હતી, જ્યાં સાંજના સમયે ફૂવારા વચ્ચે દરબાર ભરાતો હતો. ઈ.સ. 1877માં થયેલા સમારકામ દરમિયાન આ છત દૂર કરવામાં આવી. આજે, જ્યાં કદી શાહી ભવ્યતા હતી, ત્યાં સંકડી અને વ્યસ્ત બજાર જોવા મળે છે.

સ્થાપના અને શૌર્યની ગાથાઓ

અમદાવાદની સ્થાપના પછી તરત જ અહમદશાહ દ્વારા પ્રથમ ત્રણ દરવાજાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું અને ઈ.સ. 1415માં તે પૂર્ણ થયું. ઈ.સ. 1459માં યુવાન સુલતાન મહમદ બેગડો માત્ર 300 ઘોડેસવારો સાથે 30,000 બળવાખોરો સામે લડવા માટે આ દરવાજામાંથી બહાર નીકળ્યા હતા. માર્ગની બંને બાજુ ગોઠવાયેલા હાથીઓ અને શાહી સૈનિકો તેના સેનાપતિઓમાં અદમ્ય વિશ્વાસ જગાવ્યો અને અંતે બળવો દબાઈ ગયો.

સ્ત્રીઓના અધિકારનું ઐતિહાસિક ફરમાન

ત્રણ દરવાજાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા છે અહીં લખાયેલું એક અનોખું ફરમાન. ઈ.સ. 1812માં મરાઠા સૂબા ચિમનજી રઘુનાથ દ્વારા આ દરવાજા પર દેવનાગરી લિપિમાં ફરમાન લખાવવામાં આવ્યું હતું, જેમાં સ્ત્રીઓને પિતૃક સંપત્તિમાં સમાન હક્ક આપવાની ઘોષણા કરવામાં આવી. આ ફરમાન હિંદુ અને મુસ્લિમ બંને માટે લાગુ પડતું હતું, જે તે સમય માટે અત્યંત પ્રગતિશીલ વિચાર માનવામાં આવે છે.

લક્ષ્મીજીનો દીવો: આસ્થા અને બલિદાન

એવું માનવામાં આવે છે કે , અમદાવાદમાં લક્ષ્મીજીનો વાસ છે, તેનું કારણ છે ત્રણ દરવાજા સાથે જોડાયેલી સૌથી લોકપ્રિય કથા .માન્યતા મુજબ, એક રાત્રે ધનની દેવી લક્ષ્મી માતા શહેર છોડીને જતા હતા ત્યારે દરવાન સિદ્દિક કોટવાલે તેમને રાજાની આજ્ઞા વિના જવા ન દીધા. શહેરની સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે તેણે પોતાનું બલિદાન આપ્યું. ત્યારથી ત્રણ દરવાજાના એક ગોખમાં લક્ષ્મીજીનો દીવો સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે, જે આજે પણ એક મુસ્લિમ પરિવાર દ્વારા સંભાળવામાં આવે છે. આ દીવો અમદાવાદની સહઅસ્તિત્વની સંસ્કૃતિનું અનોખું પ્રતીક છે. આજે ત્રણ દરવાજા માત્ર ઐતિહાસિક સ્મારક નથી, પરંતુ અમદાવાદની આત્મા છે. અહીં ઇતિહાસ, કથા, આસ્થા અને જીવંત બજાર એકસાથે જોવા મળે છે. 

આ પણ વાંચો : Happy birthday Ahmedabad : અમદાવાદની સૌથી મોટી પોળ આજે કેમ બની માત્ર વેપારી કેન્દ્ર? જાણો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *