કલોલ તાલુકાના જામળા ગામે રહેતા યુવકને સચિવાલયમાં જુનિયર કલાર્ક ની નોકરી અપાવવાનું કહીને ઈસમે વિશ્વાસમાં લઈને તેની જોડેથી રૂપિયા 2,17,537 લઈ લીધા હતા. અને તેને નોકરી નહી અપાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે યુવકની ફરિયાદના આધારે છેતરપિંડી કરનાર ઈસમ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ તાલુકાના જામળા ગામે રહેતા સુરેશકુમાર કાંતિલાલ ગજ્જરના ફેસબુક એકાઉન્ટના મેસેન્જરમાં મેસેજ આવ્યો હતો. અને તે ઓપન કરતા સામેની વ્યકિત સાથે મેસેન્જરમાં મેસેજની આપ લે થઈ હતી. અને એક બીજાના મોબાઈલ નંબર આપવામાં આવ્યા હતા. ત્યારે મેસેજ કરનાર ઈસમે કહેલ કે હું સચિવાલયમાં નોકરી કરૂં છું. અને તમારે સચિવાલયમાં જુનિયર કલાર્ક ની નોકરી જોઈતી હોય તો તમે તમારો બાયોડેટા મોકલી આપો તેમ કહીને તેને સચિવાલયના ગેટ નંબર 4 ઉપર બોલાવ્યો હતો.જેથી સુરેશકુમાર ગજ્જર સચિવાલયના ગેટ નંબર 4 ઉપર ગયો હતો. તે વખતે તે ઈસમ સાથે તેની મુલાકાત થઈ હતી. અને તેણે પોતાનું નામ મહેશસિંહ રતનસિંહ વાઘેલા (રહે કડી જીલ્લો મહેસાણા) તરીકે ઓળખ આપી હતી. અને તેણે કહેલ કે કલાર્કની નોકરી માટે રજીસ્ટ્રેશન ફી રૂા.3270 તમારે આપવા પડશે તેમ કહેતા તેણે તે રકમ આપી હતી. અને તેના 10 દિવસ પછી આઈકાર્ડ બનાવવા માટે બીજા 4300 આપ્યા હતા. ત્યાર પછી મહેશસિંહે અઠવાડીયા પછી નોકરીની ફાઈલ કમ્પલીટ કરવા માટે બીજા પૈસાની માંગણી કરી હતી. અને મહેશસિંહે તેની પત્નીનો કયુ.આર. કોડ મોકલેલ અને કહેલ કે હું તમને જેમ જેમ કહ્યુંતેમ તેમ તમારે આ મોબાઈલ નંબરમાં ગુગલ પે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાના રહેશે અને તમારી ફાઈલ કમ્પ્લીટ થઈ જશે એટલે તમને તમારી નોકરીનો ઓર્ડર મળી જશે તેમ કહી વિશ્વાસ અપાવ્યો હતો. અને તેના કહેવા પ્રમાણે સુરેશકુમારે ગુગલ પે કર્યા હતા.
ત્યારબાદ તેણે કહ્યુ કે સરકારી નોકરી માટે સ્ટેમ્પ તથા સોગંદનામુ કરવું પડશે તેમ કહી યુવક પાસેથી કુલ રૂા. 2,17,537 લઈ લીધા હતા. ત્યારબાદ તેણે સુરેશકુમારનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. સુરેશકુમાર ને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતા તેઓ પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં તેમણે સરકારી નોકરી અપાવવાનું કરીને પોતાની સાથે છેતરપિંડી કરી રૂા.2,17,537 લઈ લેનાર મહેશસિંહ રતનસિંહ વાઘેલા (રહે. કડી) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
